જાફરાબાદના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર યુવાનનું રેસ્કયૂ
જાફરાબાદના દરિયામા 37 નોટીકલ માઇલ (60 કિ.મી) દુર બોટમા માછીમારી કરવા ગયેલા યુવકની અચાનક તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગતા તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ બોટ મારફત ત્યાં પહોંચી હતી અને માછીમાર યુવકનુ રેસ્ક્યુ કરી પીપાવાવ જેટી પર લાવી સારવાર માટે દવાખાને ખસેડ્યો હતો.
ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતુ કે દરિયામા 37 નોટીકલ માઇલ દુર મંગાભાઇ બાંભણીયાની માલિકીની ધનપ્રસાદ બોટમા હરેશભાઇ લીંબાભાઇ બારૈયા માછીમારી માટે ગયા હતા.
અચાનક હરેશભાઇની તબીયત લથડી હતી અને મોઢામાથી ફીણ નીકળવા લાગ્યા હતા. જેથી તાકિદે પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરાઇ હતી. જેથી બોટ નંબર પી 419મા ટીમ રવાના થઇ હતી અને હરેશભાઇને પીપાવાવ જેટીએ લાવી 108 એમ્બ્યુલન્સ મારફત રાજુલા દવાખાને ખસેડવામા આવ્યા હતા. હાલ હરેશભાઇની તબીયત સુધારા પર છે.ભગુભાઇ સોલંકી, રામભાઇ, કનૈયાલાલ વિગેરેએ કોસ્ટગાર્ડ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.