For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરના ઝિંઝુવાડાના રણમાં ફસાયેલા 100 ભાવિકોનું રેસ્કયુ

01:46 PM Oct 29, 2025 IST | admin
સુરેન્દ્રનગરના ઝિંઝુવાડાના રણમાં ફસાયેલા 100 ભાવિકોનું રેસ્કયુ

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા ગયેલા 100થી વધુ શ્રદ્ધાળુઓ કાદવમાં ફસાયા હતા. આઠ ગાડીઓ અને એક લક્ઝરી બસ ફસાઈ જતાં, ઝીંઝુવાડાના સરપંચ હરીભા ઝાલા અને સ્થાનિક યુવાનોએ ટ્રેક્ટરની મદદથી આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
મહેસાણા અને કડી સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓની ચાર ઈકો ગાડી, ચારથી પાંચ નાની ગાડીઓ અને એક લક્ઝરી બસ રણમાં વરસાદને કારણે કાદવમાં ફસાઈ ગઈ હતી. ચોમાસું પૂરું થયા બાદ વાછડાદાદાની ઐતિહાસિક જગ્યાએ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે, ત્યારે રણમાં વરસાદ પડતાં વાહનો ફસાઈ જવાનો ભય રહે છે.

Advertisement

વાછડાદાદાની જગ્યાના વિજુભા ઝાલાને ઘટનાની જાણ થતાં તેમણે પોતાના સ્વયંસેવકોની ટીમને સ્થળ પર મોકલી હતી. બીજી તરફ, ઝીંઝુવાડાના યુવા સરપંચ હરીભા ઝાલા સહિતના યુવાનો ટ્રેક્ટરો સાથે રણમાં દોડી ગયા હતા. તેમણે ત્રણથી ચાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ લોકોને કાદવમાંથી બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

રણમાંથી બચાવી લેવાયેલા તમામ શ્રદ્ધાળુઓને મોડી રાત્રે ઝીંઝુવાડા રાજેશ્વરી માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના માટે ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે ઝીંઝુવાડા સરપંચ હરીભા ઝાલાએ જણાવ્યું કે, આ તમામ શ્રદ્ધાળુઓ ખાનગી વાહનોમાં વાછડાદાદાની જગ્યાએ દર્શન કરી પરત આવતા સમયે રણમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ રણમાં ફસાઈ ગયા હતા. આ તમામ લોકોને બચાવી લઈને અને જે વાહનો રણમાં બગડ્યા હતા, એમને ટ્રેક્ટરમાં દોરડાથી બાંધીને સલામત રીતે ઝીંઝુવાડા લાવવામાં આવ્યા હતા. રાત્રે ઝીંઝુવાડા રાજેશ્વરી માતાના મંદિરે જમવાની અને રાત્રી રોકાણની વ્યવસ્થા કરી સવારે તમામ શ્રદ્ધાળુઓ પોતાના ગામ તરફ પરત નીકળ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement