અમરેલીના પૂર્વ સાંસદ કાછડિયાની કાર પર ગેરકાયદે ‘સાંસદ’ની પ્લેટ હટાવવા આરટીઓમાં રજૂઆત
અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા વિરુદ્ધ સામાજિક કાર્યકર નાથાલાલ સુખડીયાએ આરટીઓમાં ફરિયાદ નોંધાવી છે. કાછડીયા હાલમાં સાંસદ ન હોવા છતાં તેમની કાર (GJ 14 BG 0150) પર પસાંસદ લોકસભાથ લખેલી પ્લેટ લગાવી ફરી રહ્યા છે.સુખડીયાએ ફરિયાદમાં જણાવ્યું કે આ કૃત્ય ભારતીય મોટર વાહન કાયદો અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. તેમણે આરટીઓ અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખી ફોટોગ્રાફ્સ સાથે પુરાવા રજૂ કર્યા છે. ફરિયાદકર્તાએ વધુમાં જણાવ્યું કે અવારનવાર અમરેલી-સાવરકુંડલા રોડ પર આ કાર જોવા મળે છે.
લોકો વર્તમાન સાંસદ ભરતભાઈ સુતરિયાની કાર સમજીને રોકવાનો પ્રયાસ કરે છે. આ ગેરસમજ દૂર કરવા અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે તેમણે પ્લેટ હટાવવા અને દંડની કાર્યવાહી કરવાની માગણી કરી છે. નાથાલાલ સુખડીયાએ ઉમેર્યું કે તેઓ લાંબા સમયથી કાછડીયા સામે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત ચલાવી રહ્યા છે. આ પ્લેટનો ઉપયોગ સમાજમાં રોફ જમાવવા અને ગેરમાર્ગે દોરવા માટે થઈ રહ્યો છે.