ટેબલ પરથી કાચના ગ્લાસ-પાણીની બોટલો હટાવો: બેઠક પૂર્વે જ ચૈતર વસાવાની સૂચના
ખોટા કેસ કરવામાં આવ્યાનો પણ આક્ષેપ
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2 મહિનાથી વધુ સમય સુધી જેલમાં હતા. બે દિવસ પહેલા જ તેઓ જેલ બહાર આવ્યા છે. અને હવે ફરી તેઓ પોતાના કામોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે આ વચ્ચે નર્મદા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અને ફરી એક વખત તેઓ અઝટઝની બેઠકમાં પહોંચ્યા હતા. જે બેઠકમાં થોડા સમય પહેલા બબાલ થઇ હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ બેઠકમાં પહોંચ્યા અને તેમણે જે કહ્યું તે ખુબ ચર્ચાનો વિષય છે. ચૈતર વસાવાએ બેઠક પહેલા જ કહી દીધું કે, ટેબલ પર પડેલ તમામ કાચના ગ્લાસ, પાણી બોટલ હટાવી દેજો. સાથે જ બધા CCTV કેમેરામાં ચેક કરી લ્યો કે બધામાં બરોબર રેકોર્ડિંગ ચાલે છે ને. અને જો તેમાં ન થતું હોય તો કોઈ મીડિયાના મિત્રોને અહીં હાજર રાખો અને રેકોર્ડિંગ કરાવો. કારણ કે વાત કઈ ન હોય અને છતાં અમરે જેલમાં જવું પડે છે. અને પ્રજાના કામો અટકી પડે છે.
કલેક્ટર ચૈતર વસાવા સાથે ભળેલા: સાંસદ મનસુખ વસાવા
ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર જેલવાસ ભોગવવા પાછળ ખોટી ફરિયાદ કરાવવાનો આક્ષેપ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. જેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના આરોપોને પાયાવિહોણા ગણાવીને તેમને ખોટી વાતો કરનાર ગણાવ્યા છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા બે મોઢાની વાતો કરે છે. એક બાજુ તે કહે છે કે મનસુખ વસાવા અમારા વડીલ છે અને બીજી બાજુ તે જ આરોપ મૂકે છે કે મેં ખોટી ફરિયાદ કરાવી. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા આયોજન સમિતિની બેઠક અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે જિલ્લા કલેક્ટરે મિટિંગમાં મને બોલાવ્યા નથી. આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે જિલ્લા કલેક્ટર ચૈતર વસાવા સાથે ભળેલા છે. વધુમાં મનસુખ વસાવાએ ચૈતર વસાવાની ધરણાં પર બેસવાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી હતી.