‘બીજેપી હટાવો દેશ બચાવો’ ભાવનગર ભાજપના અગ્રણીની વિવાદિત પોસ્ટ
ભાવનગર ભાજપનાએક નેતા તેમની ફેસબુક પર કરેલી પોસ્ટના કારણે ભરાઈ ગયા છે. અને અત્યારે ખુબ જ ટ્રોલ થઇ રહ્યા છે. ભાવનગરના ભાજપના પૂર્વ મહામંત્રી અને પૂર્વ શહેર પ્રમુખ યોગેશભાઈ બદાણી તેમની વિવાદિત પોસ્ટના કારણે અત્યારે ચર્ચાનો વિષય બની ગયા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેર ભાજપ સંગઠનનાં પૂર્વ મહામંત્રી અને પૂર્વ પ્રમુખ યોગેશ બદાણી ના ફેસબુક એકાઉન્ટમાં બીજેપી હટાવો દેશ બચાવોની પોસ્ટ કરી હતી. પોસ્ટ કર્યાના થોડી જ મિનિટોમાં વિવાદિત પોસ્ટને ડીલીટ કરવામાં આવી હતી. પોસ્ટ ડીલીટ કર્યા બાદ સોશિયલ મીડિયા ઉપર પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો પણ મેસેજ કર્યો હતો.
જો કે પોસ્ટ મૂકીને ડીલીટ થયાની થોડી જ મિનિટોમાં વિવાદિત પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. વિવાદિત ફેસબુક પોસ્ટ મુદ્દે યોગેશભાઈ બદાણીએ જણાવ્યું હતું કે મારું ફેસબુક એકાઉન્ટનાં યૂઝર પાસવર્ડ અન્ય કાર્યકર્તાઓ પાસે પણ હોય છે.
એટલે મને શંકા છે, કોઈએ મારા ફેસબુક એકાઉન્ટમાં વિવાદિત પોસ્ટ મૂકી હોય શકે. જ્યારે આ અંગે અમારા ભાજપના સિનિયર કાર્યકર એ આ પોસ્ટ અંગે મને જાણ કરી હતી અને જે બાદ મેં તાત્કાલિક આ પોસ્ટ ડીલીટ કરી છે.
આ અંગે એવી પણ ચર્ચા છે કે કોઈ પણ વ્યક્તિનું એકાઉન્ટ હેક થાય છે તો શું તે તરત જ પોતાની પોસ્ટ ડીલીટ કરી શકે ખરા ? આમ વિવાદિત રાજકીય પોસ્ટથી રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.