લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીની રિમાન્ડ અરજી નામંજૂર; જામીન પર મુકત કરાયા
હુમલો, લુંટ અને ધમકીના ગુનામાં નીચલી કોર્ટના હુકમને ઉપલી કોર્ટમાં પડકારવાની તજવીજ
ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ‘મોરે મોરો’ હુમલા કેસમાં કલાકાર દેવાયત ખવડ અને અન્ય 6 આરોપીઓને મોટી રાહત મળી છે. કોર્ટે પોલીસ દ્વારા માંગવામાં આવેલા 7 દિવસના રિમાન્ડને નામંજૂર કરીને તમામ આરોપીઓને ₹15,000 ના અંગત જામીન પર મુક્ત કરવાનો મૌખિક આદેશ આપ્યો છે. આ નિર્ણયથી પોલીસ કાર્યવાહીને મોટો ફટકો પડ્યો છે, જ્યારે આરોપી પક્ષે તેને કાયદાનો વિજય ગણાવ્યો છે.
અમદાવાદના સનાથલમાં ડાયરા મુદ્દે ચાલતા વિવાદનો ખાર રાખી છએક દિવસ પૂર્વે સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને તાલાલાના ચિત્રોડા ગામની સીમમાં ઠોકરે ચડાવી હુમલો કરી હથિયાર બતાવી લુંટ ચલાવ્યાની તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિતના 7 આરોપીની ધરપકડ કરી હતી. સાતેય આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં.
આ કેસની સુનાવણી દરમિયાન, વેરાવળના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાની સમક્ષ સરકારી વકીલ અને આરોપીના વકીલ વચ્ચે તીવ્ર દલીલો થઈ હતી. સરકારી વકીલે પોલીસ રિમાન્ડની માંગણી માટે જોરદાર દલીલો કરી હતી, જ્યારે આરોપીના વકીલ દ્વારા પોલીસની કાર્યવાહી સામે કડક વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો વિશે જાણ કરવામાં આવી નથી, જે ભારતીય બંધારણના આર્ટિકલ 22(બ) નું ઉલ્લંઘન છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ સંજોગોમાં રિમાન્ડ અરજી યોગ્ય નથી અને આરોપીઓને જામીન પર મુક્ત કરવા જોઈએ.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે રાત્રે 9:45 વાગ્યે દેવાયત ખવડ સહિત તમામ 7 આરોપીઓના રિમાન્ડની માંગણી ફગાવી દીધી હતી અને તેમને ₹15,000ના બોન્ડ પર જામીન આપવાનો મૌખિક આદેશ આપ્યો હતો.
પોલીસના સૂત્રો અનુસાર, કોર્ટના આ ચુકાદાથી તેઓ સંતુષ્ટ નથી. તેઓ આ જામીન અરજીને રદ કરવા માટે આવતીકાલે ઉપલી કોર્ટમાં અરજી દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે. આનો અર્થ એ છે કે, આ કાયદાકીય લડાઈ હજુ પૂરી થઈ નથી અને ભવિષ્યમાં તેમાં નવા વળાંકો આવી શકે છે. આ કેસમાં આરોપીઓના બચાવ પક્ષે રાજકોટનાં યુવા એડવોકેટ હિતેષ વિરડા, ભાવેશ બાંભવા અને સહાયક તરીકે રવિરાજ ચાવડા રોકાયા હતાં.