રીયલ એસ્ટેટને રાહત; દસ્તાવેજ નોંધણી સ્ટેમ્પ ડયુટીની આવક વધી
વૈશ્ર્વિક યુધ્ધની પરિસ્થિતિ અને ટેરીફ વોરના પગલે રિયલ એસ્ટેટમાં ભારે મંદી જોવા મળી હતી. પરંતુ હવે રાજકોટ જિલ્લાના રિયલ એસ્ટેટ સેકટરને થોડી રાહત મળી હોય તેવા આંકડા આવ્યા છે. મે અને જૂન મહિનામાં દસ્તાવેજ નોંધણીમાં સતત ઘટાડો થયા બાદ જુલાઈ મહિનામાં વધારો નોંધાયો છે. જુલાઈ મહિનામાં દસ્તાવેજ નોંધણીની કુલ આવક 70,18,89,794 પહોંચી છે.
જ્યારે જૂન મહિનામાં તે ફકત રૂા. 66,71,02,136 હતી. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં રૈયા અનેં મવડી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ નોંધણીમાં ભારે વધારો જોવા મળ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત બીજા મહિને દસ્તાવેજની નોંધણી અને સ્ટેમ્પ ડયુટીની આવકમાં ઘટાડો નોંધાયા બાદ જુલાઈ મહિનામાં આવકમાં આશરે 4 કરોડ જેટલો વધારો નોંધાયો છે. જુલાઈ મહિનામાં કુલ 13,380 દસ્તાવેજ નોંધાયા હતાં. જેની નોંધણી ફી પેટે 10,02,65,161 રૂપિયાની આવક થઈ હતી. જ્યારે સ્ટેમ્પ ડયુટી પેટે રૂા.60,16,24,633ની આવક થતાં કુલ આવક 70,18,89,794 નોંધાઈ હતી. જ્યારે જૂન મહિનામાં દસ્તાવેજની નોંધણી પેટે 56.87 કરોડની આવક થઈ હતી. જે મે મહિના કરતાં આશરે 9 કરોડ જેટલી ઘટી છે. તેમજ મે મહિનામાં 14580 દસ્તાવેજ સામે જૂન મહિનામાં 12088 દસ્તાવેજની નોંધણી થઈ હતી.
વૈશ્ર્વિક પરિસ્થિતિ જોતા બે મોરચે યુધ્ધ ચાલી રહ્યાં છે. તેમજ સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી છે ત્યારે લોકો હાલની પરિસ્થિતિમાં જમીન-મકાન-પ્લોટ કે ફલેટ ખરીદવાની જગ્યાએ ફીકસ રિર્ટન આપતી જગ્યાએ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યાં છે. જેના પગલે શહેર અને જિલ્લાની 18 સબ રજિસ્ટાર ઓફિસમાં દસ્તાવેજ નોંધણીમાં સતત બે મહિના સુધી ઘટાડો જોવા મળ્યો હતો.
પરંતુ જુલાઈ મહિનામાં રિયલ એસ્ટેટમાં થોડી પરિસ્થિતિ સુધરી હોય તેવું જાણકારોએ જણાવ્યું હતું. જુલાઈ મહિનામાં સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ કચેરી ખાતે નોંધાયા હતાં. મોરબી રોડ ખાતે 1796 ત્યારબાદ મવડી સબ રજિસ્ટાર અને રૈયા સબ રજિસ્ટાર ઓફિસમાં અનુક્રમે 1154 અને 1153 દસ્તાવેજ નોંધાણા હતાં. ગોંડલ સબ રજિસ્ટાર ઓફિસ ખાતે 1219 દસ્તાવેજ નોંધાતા તે જિલ્લાની 18 સબરજિસ્ટાર ઓફિસમાંથી બીજા ક્રમે રહી હતી. જૂન મહિનામાં સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ કચેરી ખાતે નોંધાયા હતાં. મોરબી રોડ કચેરી ખાતે કુલ 1677 દસ્તાવેજ નોંધાયા હતાં. જ્યારે બીજા નંબરે ગોંડલ સબ રજિસ્ટાર ઓફિસમાં 1159 દસ્તાવેજ નોંધાયા હતાં. જ્યારે ત્રીજા ક્રમે મવડી સબ રજિસ્ટારમાં 1056 ત્યારબાદ રૈયા સબ રજિસ્ટાર ઓફિસમાં 1008 દસ્તાવેજ નોંધાયા હતાં.
કઈ ઓફિસમાં કેટલા દસ્તાવેજ નોંધાયા
