આસારામને રાહત, હાઇકોર્ટે વચગાળાના જામીનમાંથી સુરક્ષાની શરત રદ કરી
ગુજરાત હાઇકોર્ટે સોમવારે આસુમલ હરપલાની ઉર્ફે આસારામને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે સ્વાસ્થ્યના કારણોસર તેમને મંજૂર કરાયેલા છ મહિનાના વચગાળાના જામીનમાંથી ચોવીસ કલાક સુરક્ષા કર્મચારીઓની હાજરી ની શરત દૂર કરી દીધી છે.
6 નવેમ્બરના રોજ, હાઇકોર્ટે આસારામને સ્વાસ્થ્યના આધારે છ મહિના માટે વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આસારામ 2013માં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર કેસમાં દોષિત ઠર્યા બાદ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.વચગાળાના જામીન આપતી વખતે, કોર્ટે કેટલીક શરતો લગાવી હતી, જેમાં ભક્તો સાથે સમૂહમાં મુલાકાત પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કોર્ટે ત્રણ પોલીસ અધિકારીઓના રૂૂપમાં સુરક્ષા કર્મચારીઓને તેમની આસપાસ હાજર રહેવા જણાવ્યું હતું, જોકે તેમને આસારામની તબીબી સારવાર કે કોઈ વ્યક્તિગત મુલાકાતમાં દખલ ન કરવાની સૂચના આપવામાં આવી હતી.જોકે, આસારામે આ સુરક્ષા કવચ હટાવવાની વિનંતી કરી હતી, કારણ કે રાજસ્થાન હાઇકોર્ટે પણ તેમને 28 ઓક્ટોબરે વચગાળાના જામીન પર મુક્ત કરતી વખતે આ અંગેનો આદેશ પસાર કર્યો હતો. અરજીને ધ્યાનમાં લઈને, ગુજરાત હાઇકોર્ટે સુરક્ષાની આ શરતને રદ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આસારામને જામીનની અન્ય શરતોનું સખતપણે પાલન કરવા નિર્દેશ આપ્યો છે.