For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવા પરિપત્રના કારણે અનેક દસ્તાવેજોની નોંધણી લટકી

03:36 PM Jan 16, 2025 IST | Bhumika
નવા પરિપત્રના કારણે અનેક દસ્તાવેજોની નોંધણી લટકી

યુએલસીમાંથી છૂટી થયેલી ટાઇટલ જમીનોમાં પણ દસ્તાવેજો અટકાવી કલેકટર કચેરીમાં હુકમની ખરાઇ માટે મોકલાતા પત્રો

Advertisement

યુએલસી શાખામાંથી અભિપ્રાયની કોઇ સમય મર્યાદા નક્કી નહીં કરાતા અરજદારોની ટીંગાટોળી

નવી-જૂની જંત્રીની આંટીઘૂંટી વચ્ચે નવા નિયમની અમલવારીથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને વધુ એક ફટકો

Advertisement

ગુજરાતમા છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા જમીન કૌભાંડોના પગલે તાજેતરમા રાજયના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા બહાર પાડવામા આવેલા પરિપત્રના કારણે યુએલસીમાંથી છુટી થયેલી ટાઇટલ કલીયર જમીનોના અનેક દસ્તાવેજોની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી અટકાવી દેવામા આવતા ભારે દેકારો મચી જવા પામેલ છે અને સરકારી તંત્રની આંતરિક પ્રક્રિયામા અરજદારોને હેરાનગતી શરૂ થતા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા તખ્તો ઘડાયો છે.

રાજય સરકાર એક તરફ વહીવટી સરળીકરણની વાતો કરે છે અને આ માટે ચિંતન શિબિરો પણ યોજે છે. પરંતુ કયારેક અમુક અધિકારીઓ જાણ્યા વિચાર્યા વગર એવા પરિપત્રો કરી નાંખે છે કે જેના કારણે સામાન્ય લોકોને વિના કારણે ભારે હેરાનગતી વેઠવી પડે છે. આવી જ સ્થિતિ હાલમા સર્જાયેલ છે. તાજેતરમા સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓને પાઠવવામાં આવેલા પરિપત્રમા 12 પ્રકારની મિલ્કતોના દસ્તાવેજો સક્ષમ ઓથોરીટીની મંજુરી વગર સ્વીકારવાની મનાઇ ફરમાવવામા આવતા સબ રજીસ્ટ્રાર કચેરીઓમા પણ આ પરિપત્રના મનઘડત અર્થઘટન શરૂ થયા છે. જેના કારણે દસ્તાવેજ નોંધાવવા આવતા લોકોને ભારે હેરાનગતી વેઠવી પડી રહી છે.

ખાસ કરીને યુએલસીમાંથી છુટી થયેલી જમીનોના દસ્તાવેજો સ્વીકારવાનો સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા ઇન્કાર કરવામા આવી રહયો છે અને યુએલસી કચેરી દ્વારા વર્ષો પહેલા જમીન છુટી કરવાના થયેલા હુકમોની ખરાઇ માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા અધિક કલેકટર યુએલસી શાખાને પત્રો લખવામા આવી રહયા છે અને આ પત્રોનો જવાબ આપે નહીં ત્યા સુધી દસ્તાવેજની નોંધણી અટકાવી દેવામા આવે છે.

સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા બહાર પાડવામા આવેલા પરિપત્રમા જે 12 પ્રકારની મિલકતોના દસ્તાવેજો મંજુરી વગર સ્વીકારવાની મનાઇ ફરમાવવામા આવી છે તેવી મિલ્કતોના કિસ્સામા સક્ષમ ઓથોરીટીને મંજુરી આપવા માટે કોઇ સમય મર્યાદા નિયત કરવામા આવી ન હોવાથી યુએલસી સહિતની કચેરીઓમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા સરકારી રાહે લખવામા આવતા પત્રો સરકારી રાહે જે તે કચેરીમા પહોંચે છે અને ત્યા પણ કોઇપણ સમય મર્યાદા ન હોવાથી આવા પત્રો ફાઇલોમા મુકી દેવામાં આવે છે. જેના કારણેે અનેક દિવસોનો સમય વેડફાઇ રહયો છે અને મિલ્કતોના દસ્તાવેજો પણ થઇ શકતા નથી.

હાલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર નવી - જુની જંત્રીની આંટીઘુંટીમા ફસાયેલ છે ત્યા 12 પ્રકારની મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી માટે મંજુરી લેવાના પરિપત્રથી નવી જ સમસ્યા સર્જાયેલ છે. આ સ્થિતિમા દસ્તાવેજો નહીં થવાથી મિલ્કતોના વાદ વિવાદો પણ શરૂ થઇ ગયા છે.

સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા જે પરિપત્ર સબ રજીસ્ટ્રાર કચેરીઓને પાઠવવામા આવ્યો છે તેમાં 12 પ્રકારની મિલ્કતોના દસ્તાવેજો મંજુરી વગર સ્વિકારવાની મનાઇ ફરમાવવામા આવી છે. આ 12 પ્રકારની મિલકતોમા 1) કોર્ટ કેસ સક્ષમ સતાધિકારીના મનાઇ હુકમ વાળી મિલ્કત 2) સક્ષમ ઓથોરીટીના ટાંચના હુકમવાળી મિલકત 3) અશાંતધારા હેઠળની મિલકતો, 4) શહેરી ટોચ મર્યાદા અધિનિયમ (યુએલસી), ફાજલ જમીન, 5) આદિવાસી ખાતેદારની કલમ 73 એએ હેઠળની મિલકત, 6) સરકારી પડતર, શ્રીસરકાર, ગૌચર, પંચાયત હેડની જમીન, 7) નવી શરત, ભૂદાન, સીલિંગ ફાજલ, હીજરતી અને એનેમી પ્રોપર્ટી, 8) કોઇ જાહેર ટ્રસ્ટ કે સાર્વજનીક માલીકી ઉપયોગની મિલકત, 9) બિનઅધિકૃત રજા વગરનું બાંધકામ ધરાવતી ખેતીની જમીન, 10) કોઇ સતા પ્રકાર નાબુદી કાયદા હેઠળ ખાનગી કબ્જેદાર દ્વારા ધરાવાતી જમીન, 11) અન્ય કોઇ કાયદા કે હુકમથી પ્રતિબંધીત હોય તેવી મિલકત સહિત 13 મિલકતોનો સમાવેશ થાય છે.

આવી મિલકતોના દસ્તાવેજ સ્વીકારતા પહેલા સબ રજીસ્ટ્રારે સક્ષમ ઓથોરીટીને પત્ર લખી સ્પષ્ટતા માંગવા જણાવાયુ છે. જેના કારણે સબ રજીસ્ટ્રાર કચેરીમા કોઇ અરજદાર દસ્તાવેજ નોંધણી માટે જાય ત્યારે સબ રજીસ્ટ્રાર દ્વારા સબંધિત ઓથોરીટીને મિલકતના વર્ણન સાથે પત્ર લખી આ મિલકત સબંધિત જે હુકમ થયેલ છે તે આપની કચેરી દ્વારા જ થયેલ છે કે કેમ તેની ખરાઇ માંગવામા આવે છે.

જો કે આ ખરાઇ માંગવામા કોઇ સમય મર્યાદા ન હોવાથી સબંધિત કચેરીઓ જુના હુકમો શોધવા અને કારકુનથી માંડી કચેરીના વડા સુધી ફાઇલ ચલાવવાના બહાના હેઠળ વિવિધ કચેરીઓ દ્વારા સમય વેડફવામા આવી રહયો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. હાલ આવી સ્પષ્ટતાના અભાવના કારણે અનેક મિલકતોના દસ્તાવેજો લટકી ગયા છે અને દિવસે દિવસે આ ભારણ સબ રજીસ્ટ્રાર તેમજ અન્ય કચેરીઓ પર વધે તેવી શકયતા છે. ત્યારે મિલકતોની જે તે ઓથોરીટી પાસે ખરાઇ કરવામા ચોકકસ સમય મર્યાદા લાગુ કરવામા આવે તેવી જાણકારો દ્વારા માંગણી કરવામા આવી છે.

ભ્રષ્ટાચારની નવી બારી ખૂલી
ગુજરાતમા 12 પ્રકારની મિલકતોના દસ્તાવેજ મંજુરી વગર સ્વીકારવાની મનાઇ ફરમાવવામા આવતા સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા આવી 12 પ્રકારની મિલકતોના દસ્તાવેજોની નોંધણી પુર્વે જે તે ઓથોરીટીને પત્ર લખી ખરાઇ કરવામા આવી રહી છે. ત્યારે અરજદારોની મજબુરીનો લાભ લઇ જે તે ઓથોરીટીના સ્ટાફ દ્વારા ઇરાદાપુર્વક ખરાઇ કરવામા સમય વેડફવામા આવી રહયો હોવાની તેમજ ખરાઇ માટેનો પત્ર સબ રજીસ્ટ્રારને મોકલવા માટે પણ પૈસાની માંગણી કરવામા આવી રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. આ રીતે સરકારી તંત્રમા ભ્રષ્ટાચારની નવી જ બારી ખુલી મુકવામા આવી હોય તેવુ પ્રતિત થઇ રહયુ છે.

અનેક સોદામાં શંકાઓ ઊભી થતા વાદ-વિવાદ પણ વધ્યા
યુએલસીમાથી છુટી થયેલી જમીનો સહીતની મિલકતોમા ખરાઇ વગર દસ્તાવેજ નહીં કરવાના નવા પરિપત્રથી સબ રજીસ્ટ્રાર કચેરીઓમા વેંચનાર અને ખરીદનાર પક્ષ દસ્તાવેજ નોંધાવવા જાય ત્યારે સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી નવા પરિપત્રના અમલની અને મિલકતના હુકમ સબંધિત જે તે ઓથોરીટીની ખરાઇ અંગે જાણ કરવામા આવે છે. જેના કારણે મિલકત ખરીદનારને આ મિલકત વિવાદીત હોવાની શંકાઓ ઉભી થાય છે. આવી સ્થિતિમા મિલકત વેંચનાર અને ખરીદનાર વચ્ચે વાદ વિવાદો શરૂ થયા છે. તાજેતરમા રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમા જ બે પાર્ટી વચ્ચે આવા કારણોસર જ ઉગ્ર વિવાદ સર્જાયો હતો. આમ નવા પરિપત્રથી મિલકત સબંધિત કેસ કબાડા પણ વધે તેવી પુરી શકયતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement