માત્ર 50 બેડથી મોટી નહીં તમામ હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત
વિરમગામ તાલુકામાં આવેલ માંડલના રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ કુલ 29 જેટલા મોતિયાના દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી ઓપરેશન બાદ 17 જેટલા લોકોને આંખની દ્રષ્ટિ ઓછી થતા 5 લોકો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે 12 જેટલા લોકો રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. આ કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. જેની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ મુજબ પહેલા 50થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલે આ કાયદા અંતર્ગત રજિસ્ટ્રેશન જરૂૂરી હતું. જોકે, સરકાર હવે તેમાં સુધાર કરીને જે પણ હોસ્પિટલ જેટલા પણ બેડ ધરાવતી હોય તેનું આ કાયદા અંતર્ગત રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવા જઈ રહી છે. જેથી કરીને આ કાયદાના તમામ નીતિ નિયમો તે હોસ્પિટલને લાગુ પડશે.
આજે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ આ મુદ્દે આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્ય સરકારવતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકાર ડિસેમ્બર, 2023માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન 10 જાન્યુઆરીએ આ ઘટના બની ગઈ હતી.
કોર્ટ મિત્ર ગૌતમ જોશીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, મેડિકલ કેમ્પ પત્યા પછી તે અંતર્ગત હાથ ધરાયેલી સર્જરી બાદ આવા સમાચાર આવતા હોય છે. તાજેતરમાં જ અમરેલી અને ઓગણજથી પણ આવા સમાચાર મળ્યા હતા. આવા મેડિકલ કેમ્પને રેગ્યુલરાઈઝ કરવા જરૂૂરી છે. તેઓ ટ્રસ્ટનો વિરોધ નથી કરી રહ્યા. પરંતુ તેમની ઉપર પણ નિયમો લાદવા ખૂબ જરૂૂરી છે. દરેક મેડિકલ ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ માટે રજિસ્ટ્રેશન જરૂૂરી હોવું જોઈએ. આજના સમયમાં જેની પાસે પણ વધારે પૈસા હોય તે હોસ્પિટલ ઊભી કરી શકે છે. તે ડોક્ટર લાવે છે અને સર્જરી થાય છે. પરંતુ ડોક્ટરને મેડિકલ સપ્લાય ક્યાંથી આવ્યો તેની ખબર હોતી નથી. ડોક્ટરને જે સાધનો સંસ્થા પૂરી પાડે છે, તેનાથી તેઓ સર્જરી કરતા હોય છે. ડોક્ટર ઉપર ક્રિમિનલ જવાબદારી મૂકવી અઘરી બાબત છે. કોર્ટે રાજ્ય સરકારને મેડિકલ કેમ્પ ઉપર અંકુશ રાખવા જણાવ્યું હતું.