આવાસ યોજનાનું રજિસ્ટ્રેશન હવેથી ઘરે બેઠા થઇ શકશે ઓનલાઇન
સરકારની વિવિધ આવાસ યોજનાઓની અમલવારી કરી ઘરવિહોણા લોકોને આવાસ મળી રહે એ માટે રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યરત છે. આવાસ યોજનાના ફોર્મની નવી જાહેરાત ક્યારે આવશે, નવા ફોર્મની અરજી ક્યારે કરવાની રહેશે વગેરે બાબતો માટે નાગરિકો દ્વારા અવાર-નવાર રૂૂબરૂૂમાં આવી આવાસ યોજના શાખામાં પૂછપરછ કરવામાં આવે છે. આથી નાગરિકોનાં સમય અને સંસાધનો વેડફાય છે. નાગરિકોનાં સમય અને સંસાધનો રાજકોટ મહાનગરપાલિકા માટે ખૂબ જ મૂલ્યવાન છે.
આથી નાગરિકોને ઘરબેઠા સમયસર આવાસ યોજનાના નવા ફોર્મ બહાર પડવાની જાણકારી મળી શકે એ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજકોટ મહાનગરપાલિકાએ એક પહેલ કરી છે. નાગરિકો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર આવાસ યોજનાના નવા ફોર્મ બહાર પડવાની જાણકારી મળી શકે એ માટે ઘરબેઠા પોતાના મોબાઇલ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે. આવા રજીસ્ટ્રેશન કરેલ અરજદારોને આવાસ યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવે એ પહેલાં જખજ મારફતે ફોર્મ ભરવાની શરૂૂઆતની અને અંતિમ તારીખની જાણકારી આપવામાં આવશે. તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાગરિકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર જઇ પોતાનો મોબાઇલ નંબર અને કેપ્ચર કોડ નાખી, જે OTP આવે એના મારફત લોગ-ઇન કરવાનું રહેશે. ત્યારબાદ અરજદારે પોતાનું નામ અને આધાર કાર્ડ નંબર લખી, આવાસ યોજનાની કેટેગરી (EWS/LIG/MIG) સિલેક્ટ કરવાની રહેશે.