દિવાળીમાં ગેરકાયદે લાયન શો અટકાવવા રેડ એલર્ટ
વન વિભાગના તમામ ફિલ્ડ સ્ટાફ ડયૂટી પર, સંવેદનશીલ વિસ્તારમાં 24X7 સ્ટાફ તૈનાત રહેશે
વાયરલેશ સ્ટેશન હવે કંટ્રોલ રૂમ સેન્ટર તરીકે કાર્યરત, તમામ બાબતો પર નજર રાખશે
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓ, જે એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે જાણીતા છે ત્યાં દિવાળીના તહેવારની રજાઓ શરૂૂ થતાં જ પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે. 26 ઓક્ટોબર સુધી રજાઓ લંબાતા ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ ગીરની મુલાકાત લઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં વન્યજીવોની સુરક્ષા અને ગેરકાય પ્રવૃત્તિઓ અટકાવવા માટે વન વિભાગે ખાસ તૈયારીઓ હાથ ધરી છે.
જૂનાગઢ વન વિભાગના DCF પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ અને પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને વન્યપ્રાણીઓને કોઈપણ પ્રકારની રંજાડ ન થાય, ‘લાયન શો’ ના કેસ ન બને કે વન્ય પ્રાણીઓ સાથે સંલગ્ન કોઈ ગુનો ન બને તે માટે વિભાગે વિશેષ વ્યૂહરચના તૈયાર કરી છે.
DCF પ્રશાંત તોમરે દ્વારા સિંહની સુરક્ષા માટે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં વિભાગનો સ્ટાફ 24*7 રાઉન્ડ ધ ક્લોક (Round the Clock) શિફ્ટમાં ડ્યુટી કરશે. વન વિભાગના તમામ ફિલ્ડ સ્ટાફની ડ્યુટી આ જ કામગીરીમાં લગાવી દેવામાં આવી છે. જેટલા પણ સંવેદનશીલ વિસ્તાર છે અને ગુના બનવાની શક્યતા ધરાવતા હોટસ્પોટ્સ છે, તે તમામ વિસ્તારોને સતત પેટ્રોલિંગ હેઠળ કવર કરવામાં આવશે. વન વિભાગનું વાયરલેસ સ્ટેશન હવે કંટ્રોલ રૂૂમ સેન્ટર તરીકે કાર્યરત છે. અહીંથી રાઉન્ડ ધ ક્લોક રિપોર્ટ લેવામાં આવશે અને સ્ટાફની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવશે. વન વિભાગની આ સઘન તૈયારીઓ પાછળનો હેતુ એ છે કે વન્ય પ્રાણીઓ સુરક્ષિત રહે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિઓ કે ગુનાહિત ગતિવિધિઓ ન થાય.
DCF પ્રશાંત તોમરે ગુજરાતના લોકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓને ખાસ અપીલ કરી છે. જે પ્રવાસીઓ વન વિભાગના નિયમોથી અજાણ હોય, તેઓ ખાસ ધ્યાન રાખે કે કોઈ પણ પ્રકારના વન્યપ્રાણી ગુનામાં ન પડે કે લાયન શો જેવી પ્રવૃત્તિઓમાં લલચાય નહીં. જો કોઈ વ્યક્તિ તેમને ગેરકાયદે સિંહ દર્શન કરાવવાની લાલચ આપે કે આવી કોઈ પ્રવૃત્તિ વિશે જણાવે, તો તે અંગેની માહિતી તાત્કાલિક વન વિભાગના ધ્યાન પર મૂકવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. પ્રવાસીઓ અને સ્થાનિકોના સહકારથી જ સિંહ અને ગીરના જંગલોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે.