જૂનાગઢ-ગીર સોમનાથમાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
NDRF, SDRFની ટીમો તૈનાત, 4થી 8 ઇંચ વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 24 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળી શકે છે! ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) એ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે ગુજરાતના બે જિલ્લામાં રેડ એલર્ટ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
IMD દ્વારા બુધવારે રાત્રે 9.43 વાગ્યે જારી કરાયેલા બુલેટિન મુજબ, ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, જે પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે. IMD દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં 8 ઇંચ (200 મિલીમીટર) થી પણ વધુ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. આટલો ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, નદીઓમાં પૂર આવવાની અને જનજીવનને વ્યાપકપણે પ્રભાવિત કરવાની શક્યતા ઊભી કરે છે.
સાત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જેનો અર્થ છે કે અહીં ભારેથી અતિભારે વરસાદ (115 મિલીમીટરથી 200 મિલીમીટર, એટલે કે 4 થી 8 ઇંચ) પડી શકે છે: આ જિલ્લાઓમાં પોરબંદર, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર આ જિલ્લાઓમાં પણ નાગરિકોને અત્યંત સાવચેત રહેવા અને જરૂૂરી સાવચેતીનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
વરસાદની ગંભીર આગાહીને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂૂ કરી શકાય. સ્થાનિક કલેક્ટર કચેરીઓ અને મહાનગરપાલિકાઓને પણ સ્થિતિ પર સતત નજર રાખવા અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સજ્જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવામાન વિભાગે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, જો જરૂૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો. નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો, કારણ કે ત્યાં પાણી ભરાવાની સંભાવના વધુ છે. વીજળીના થાંભલા કે તારથી દૂર રહો અને સલામત સ્થળે આશ્રય લો. માછીમારોને આગામી 24 કલાક માટે દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. વરસાદ સંબંધિત કોઈ પણ મદદ અથવા માહિતી માટે, નાગરિકોને તેમના સ્થાનિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂૂમના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.