મોરબીના સ્મશાનમાં રેશનિંગનું અનાજ સળગાવાયું
સરકારી અનાજની બોરીઓ કોણ ફેંકી ગયું? ઊઠી રહેલા સવાલો, કોંગ્રેસ દ્વારા તપાસની માગણી
મોરબીના શ્રદ્ધા પાર્ક અને યમુના નગરની વચ્ચે આવેલા એક સ્મશાનગૃહમાં કચરાના ઢગલામાં આગ લાગી હોવાની ઘટનામાં આગ બુઝાવતા સમયે મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, ઘટના અંગે પુરવઠા વિભાગે તપાસ શરૂૂ કરતા અહીંથી મળી આવેલ ઘઉં, ચોખા, તુવેરદાળ અને ચણા સહિતનો જથ્થો એક્સપાયરી ડેઈટનો હોવાનું અને આ જથ્થો મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડીને આપવામાં આવતો હોય તે હોવાનું સ્પષ્ટ બન્યું હતું. જો કે, હાલમાં જિલ્લા પુરવઠા મેનેજર દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે. પરંતુ આટલો મોટો જથ્થો અહીં કોણ ફેંકી ગયું તે મોટો સવાલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના યમુનાનગર અને શ્રધ્ધાપાર્ક વચ્ચે સ્મશાન આવેલ છે જ્યાં કચરાના ઢગલામાં આગા લાગતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, તાબડતોબ દોડી આવેલ ફાયરબ્રિગેડે તુરત જ આગ કાબુમાં લેતા જ્યાં આગ લાગી હતી ત્યાં મોટા પ્રમાણમાં તુવેરદાળ અને ચણાના એક-એક કિલોગ્રામના પેકીંગ ઉપરાંત ઘઉં તેમજ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો.બનાવ અંગે મોરબી મામલતદાર સહિતની ટીમે ઘટના સ્થળે દોડી આવીને તપાસ પણ શરૂૂ કરી હતી જો કે, આ જથ્થો અહીં કોણ નાખી ગયું હતું તે અંગેની કોઈ જ વિગત હજું સામે આવી નથી.
બીજી તરફ આ સ્મશાન ગૃહના સંચાલક સુખાભાઈએ જણાવ્યું હતું કે, અહીંયા સ્મશાન ગૃહમાં શક્તિ માતાજીનું મંદિર આવેલું છે જેમાં આઠેક દિવસથી ભરતી ભરવા માટેના ટ્રેક્ટર આવતા હોય સ્મશાનનો ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે.જેથી રાત્રિના સમયે કોઈ આ અનાજનો જથ્થો નાખી ગયું હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, આઠ દિવસ પહેલા અહીંયા આ જથ્થો ન હોવાનું તેમને જણાવ્યું હતું અને આગ લાગી એટલે અહીં આવતા આ અનાજનો જથ્થો અહીં પડયો હોવાનું તેમના ધ્યાને આવ્યું હોવાનું જણાવ્યું હતું.
મોરબીના સ્મશાનમાં આગની ઘટના બાદ એક્સપાયરી ડેઈટ વાળા ચણા અને તુવેરદાળના પેકીંગ ઉપરાંત ઘઉં ચોખા મળી આવવા મામલે તપાસ માટે દોડી આવેલા જિલ્લા પુરવઠા મેનેજર દેવેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, અહીંથી મળી આવેલ ચણા અને તુવેરદાળના સેમ્પલ લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો 2018-2019નો હોવાનું જણાઈ રહ્યું છે. આ જથ્થો મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડી માટે આપવા માટેનો છે. જો કે આ જથ્થો ક્યાંનો છે અને અહીં કેમ આવ્યો એ તપાસનો વિષય છે. સમગ્ર મામલે તપાસ કર્યા બાદ અહેવાલ મોકલવામાં આવશે.
મોરબીમા આજરોજ યમુનાનગર સ્મશાન મા મળેલા સરકારી અનાજ ના જથ્થા અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિહ જાડેજા એ જણાવ્યુ હતુ કે આ ગરીબ માણસો ને આપવાનુ અનાજ મા ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે આમા તંત્ર ની બેદરકારી હોય અથવા મીલીભગત હોવાનુ જણાય રહ્યુ છે આમા જે કોની સંડોવણી હોય તેની પુરી તપાસ કરી પગલા લેવા માંગ કરી છે.
આ અંગે વધુ માં મોરબી સીટી મામલતદાર બી એસ પટેલ એ જણાવ્યું હતું કે મળેલ સરકારી અનાજ ના જથ્થા અંગે સ્થળ પર પંચરોજ કામ કરી તપાસ કરી રહ્યા છીએ આ જથ્થો સરકારી અનાજ નો છે પણ કેટલો હતો સહિત તપાસ હાથ ધરાઈ છે.