સોમનાથથી ખોડલધામ કેન્સર હોસ્પિટલના લાભાર્થે રથયાત્રાનો પ્રારંભ
સાત દિવસ સુધી જિલ્લાના 75 જેટલા ગામડાઓમાં ભ્રમણ કરશે : લોકભાગીદારી માટે આહવાન કરાશે
સમાજસેવા અને આધ્યાત્મિકતાનો સંગમ સાધતા, શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા નિર્માણાધીન ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ના ઉમદા કાર્યના લાભાર્થે ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય રથયાત્રા (માતાજીની શોભાયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્સર જેવા ગંભીર રોગ સામે લડવા અને આ હોસ્પિટલના નિર્માણમાં સહયોગ મેળવવાના ઉદ્દેશ્ય સાથે શરૂૂ થયેલી આ યાત્રા ભક્તિ અને જનજાગૃતિનો સમન્વય સાધશે, 6 મે 2025ના રોજ સવારે, મા ખોડલના રથનો પ્રારંભ શ્રી સોમનાથ મહાદેવ મંદિર પરિસર થી ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતાં શ્રી ખોડલધામ સમિતિ ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ ઠુમરે જણાવેલ કે ખોડલધામ મંદિર ની થીમ પર તૈયાર કરાયેલો અને જેમાં મા ખોડલની મૂર્તિ બિરાજમાન છે તે રથ આગામી સાત દિવસ સુધી ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. દરરોજ આ રથ આશરે છ જેટલા ગામડાઓની મુલાકાત લેશે, જ્યાં બપોર અને રાત્રિ રોકાણ કરશે. તારીખ 6 મે ના રોજ શરૂૂ થયેલી આ શોભાયાત્રા 13 મે 2025ના રોજ પૂર્ણ થશે અને કુલ 75 જેટલા ગામડાઓને આવરી લેશે.
રથ જે તે ગામોમાં પહોંચશે ત્યારે વિવિધ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ગામમાં અલગ અલગ જગ્યાએ માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. આ માધ્યમથી કેન્સર હોસ્પિટલના નિર્માણકાર્ય અંગે માહિતી અપાશે અને લોકભાગીદારી માટે આહ્વાન કરાશે.
આજરોજ રથના પ્રારંભ પ્રસંગે શા. સ્વા. ભક્તિપ્રકાશદાસજી ( સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ) હિંમતભાઈ સોજીત્રા (ઝોનલ ક્ધવીનર શ્રી ખોડલધામ સમિતિ) તેમજ ખોડલધામ સમિતિ ગીર સોમનાથના તમામ હોદ્દેદારો, લેઉવા પટેલ સમાજના ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. આ રથયાત્રા સમાજમાં કેન્સર જેવા રોગ પ્રત્યે જાગૃતિ લાવવા અને નિર્માણાધીન હોસ્પિટલ માટે સહયોગ એકત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.