સફારી પાર્કમાં જોવા મળ્યો 11 સિંહોનો દુર્લભ નજારો
ત્રણ સિંહણો સાથે આઠ નાના-નાના બચ્ચાઓની ધમાલમસ્તી જોઇ પ્રવાસીઓ રોમાંચિત
એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતું સાસણ ગીર અભ્યારણ્ય તેના દુર્લભ દૃશ્યોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ચોમાસા બાદ અભ્યારણ્ય ખુલ્યા પછી પ્રવાસીઓને સિંહોના નવજાત બચ્ચાંઓના દર્શન થઈ રહ્યા છે, ત્યારે એક નસીબદાર પ્રવાસી જૂથને તો એકસાથે 11 સિંહોના મેગા ફેમિલી ગ્રુપના દર્શનનો અદ્ભુત લ્હાવો મળ્યો હતો.
સોમવારે બપોરના સમયે સફારી રૂૂટ પરના આ દ્રશ્યએ પ્રવાસીઓને ચોંકાવી દીધા હતા. ભંભા ભોડ નાકાથી સુકા કડાયા વિસ્તાર તરફ જતા રૂૂટ પર ત્રણ પરિપક્વ સિંહણો અને તેમની સાથે આઠ નાના-નાના સિંહબાળ એમ કુલ 11 સિંહોનું એક મોટું ટોળું કેમેરામાં કેદ થયું હતું. સામાન્ય રીતે સિંહણો બે કે ત્રણના નાના જૂથમાં અથવા એકલી જ બચ્ચાંઓ સાથે જોવા મળે છે. પરંતુ આ વખતે ત્રણ સિંહણોએ મળીને જાણે એક વિશાળ સંયુક્ત પરિવાર બનાવ્યો હોય તેવો દુર્લભ નજારો પ્રવાસીઓને જોવા મળ્યો હતો. આખું ગ્રુપ રસ્તાની બાજુમાં બેફામપણે લટાર મારતું, રમતું-દોડતું અને માતાઓની આસપાસ ફરતું જોવા મળ્યું હતું. નાના બચ્ચાંઓની ચપળતા સતર્કતાથી ભરેલું આ અદ્ભુત દ્રશ્ય જોનાર પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જીપ્સી ડ્રાઇવર વકાર રાણીયાએ આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.