મનપા દ્વારા દિવાળી ઉત્સવ અંતર્ગત આજે રંગોળી સ્પર્ધા
સ્પર્ધકો દ્વારા તૈયાર કરેલ રંગોળી કાલથી શહેરીજનો નિહાળી શકશે: સ્વચ્છ-હરિયાળુ- રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનો શુભારંભ કરાવતા સાંસદ મોકરિયા
રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદાજુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણવધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા તા.16/10/2025 થી તા.20/10/2025દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે સ્વચ્છ-હરિયાળું-રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા,લેસર શોસહિતના વિશેષ આકર્ષણોનો રહેશે.
સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત તા.17/10/2025ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.18/10/2025 થી તા.20/10/2025ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે. તા.18/10/2025ના રોજ રાત્રે 7:00 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. તા.19/10/2025, રવિવારના રોજ બહુમાળીભવન ચોક ખાતે મ્યુઝિકલ બેન્ડ યોજાશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.16/10/2025 થી તા.20/10/2025 સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવેલ. રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર સહીતના કાર્યક્રમો યોજાશે. સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તા.16/10/2025 થી 20/10/2025 દરમ્યાન રાત્રે 12:00 કલાક સુધી રહેશે.
આ સ્વચ્છ-હરિયાળું-રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવ શુભારંભ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, મંજુબેન કુગશિયા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સંગીતાબેન છાયા, સંગઠનના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહેલ.
આ શુભારંભ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટની જનતા માટે ભવ્ય દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે બદલ રાજકોટ મહાનગરપાલિકાની ટીમને શુભેચ્છા પાઠવું છું. શહેરીજનોને વિંનતી કરું છું કે આ દિવાળી ઉત્સવને માળો અને વધુને વધુ લોકો ઉત્સવમાં જોડાવ.
આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.16/10/2025 થી તા.20/10/2025 દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ભવ્ય સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.