વેરાવળની ખાનગી શાળાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ
વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષી શિક્ષણ વિભાગના માપદંડને યોગ્ય રીતે અનુસરવા તાકીદ
ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલનાં માર્ગદર્શન હેઠળ વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર.નંદાણીયા તેમજ સી.આર.સી. કો ઓર્ડિનેટર જયેશભાઈ સોલંકી દ્વારા શહેરની વિવિધ ખાનગી શાળાઓમાં ઓચિંતી મુલાકાત લઈ શૈક્ષણિક બાબતો પરત્વે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.
આ ઓચિંતી મુલાકાત દરમિયાન બાળકોના દફતરનું વજન તેમજ બાળકોને આપવામાં આવતા ગૃહકાર્ય, શાળાની ભૌતિક સુવિધાઓ તેમજ શિક્ષકોની લાયકાત બાબતે તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત દરેક સી.આર.સી. કોઓર્ડિનેટર દ્વારા તેમનાં ક્લસ્ટરની ખાનગી શાળાઓમાં ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી અને જે શાળાઓમાં શિક્ષણવિભાગની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં નથી આવતું તેવી શાળાઓને માપદંડ યોગ્ય રીતે અનુસરવા તાકીદ કરવામાં આવી હતી.
શૈક્ષણિક ટીમ દ્વારા તપાસ કરી અને વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષી દફતર નું વજન શિક્ષણ વિભાગનાં પરિપત્ર મુજબ રાખવા તેમજ નવી શિક્ષણ નીતિ 2020ની ગાઇડ લાઇન મુજબ ગૃહકાર્ય આપવા તાકીદ કરવામાં આવી હતી અને હવે પછી શિક્ષણને લગત કોઈ ખામીઓ જણાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી તાકીદ કરાઈ હતી.