રાજકોટમાં નવેમ્બરમાં મોરારિબાપુની રામકથા
સદ્ભાવના વૃદ્ધાશ્રમના નવા ભવનના લાભાર્થે રેસકોર્સ મેદાનમાં વિશાળ આયોજન
23 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન મોરારિબાપુની 947 રામકથા યોજાશે
પ્રખર રામાયણી મોરારિબાપુની 947મી કથાનું રાજકોટના રેસકોર્ષમાં નવેમ્બર મહીનામાં આયોજન કરાયું છે. વડિલોને માવતર સમજી સાચવતા સદભાવના વૃધ્ધાશ્રમનાં લાભાર્થે તા.23 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન યોજાનાર રામકથાથી જે પણ આવક પ્રાપ્ત થશે તેમાંથી સદ્ભાવના વૃધ્ધાશ્રમના જામનગર રોડ પર બની રહેલા નવા ભવનના નિર્માણ પાછળ રકમ ખર્ચાશે.
આ બાબતે વધુ વિગતો આપતા સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા જણાવાયું હતું કે, શહેરના જામનગર રોડ ઉપર રૂા.300 કરોડના ખર્ચે નવુ વૃધ્ધાશ્રમ આકાર પામી રહ્યું છે.30 એકરમાં બની રહેલા વૃધ્ધાશ્રમમાં 1400 રૂમમાં 5000 જેટલા પથારીવશ, નિરાધાર વડીલોને આજીવન સાચવવાની અનન્ય સેવાનું બીડુ સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ઝડપાયું છે. અગાઉ મોરારિબાપુના હસ્તે જ નવા વૃધ્ધાશ્રમનું ભૂમિપૂજન થયા બાદ નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ વાતના ફલસ્વરૂપે અત્યાર સુધીમાં 10 માળ તો વૃધ્ધાશ્રમનાં સેવાભાવીઓએ જણાવ્યું હતું. આ કાર્યમાં અનેક નામી અનામી દાતાઓનો સહયોગ સાંપડી રહ્યો છે. સાથે સાથે નવા ભવનના 300 કરોડ જેવા માતબર ખર્ચને પહોંચી વળવા તેમજ નવા ભવનનું કાર્ય નિર્વિઘ્ને પાર પડી જાય તે માટે પ્રખર રામાયણી મોરારિબાપુએ પોતાની રામકથાનું આયોજન જાહેર કરતાં મોરારિબાપુના અનુયાયીઓ અને સદ્ભાવના વૃધ્ધાશ્રમનાં સેવાભાવી સંચાલકોમાં આનંદ છવાયો છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં તા.23 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન યોજાનાર રામકથાનો લાભ લેવા શહેરીજનો ઉપરાંત જિલ્લા અને સૌરાષ્ટ્રભરનાં ભાવિકોને સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા અનુરોધ કરાયો છે.