કોડીનારમાં રસ્તા વચ્ચેનો વડલો હટાવવા રેલી કાઢવી પડી
કોડીનાર તાલુકાના મીતિયાજ ગામના શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગામતળમાં આવેલા રસ્તા પર થયેલું દબાણ અને નડતરરૂૂપ વિશાળ વડલાના ઝાડને દૂર કરવા માટે વારંવાર કરેલી રજૂઆતો છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં રોષે ભરાઈ સમાજના લોકોએ આ મામલે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ગીર સોમનાથ તથા મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ, કોડીનારને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું.
આવેદનપત્રમાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા જણાવ્યા મુજબ, મીતિયાજ ગામે તેમની માલિકીની ગામતળ ની જમીન પાસે આવેલો રસ્તો વાંઝા શેરીને જોડતો આવે છે જે રસ્તા પર લખમણ ભગવાન રાઠોડ અને ગ્રામ પંચાયતના સભ્ય જાનુબેન જેઠાભાઈ રાઠોડ સહિત અનેક લોકો દ્વારા બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણને દૂર કરવા માટે અગાઉ પણ તત્કાલીન સરપંચ, વહીવટદાર અને તલાટી કમ મંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી, જેના આધારે પંચ રોજકામ પણ થયું હતું અને નોટિસો પણ આપવામાં આવી હતી. જોકે, તેમ છતાં રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો નથી. મુખ્યમંત્રીના ઓનલાઇન ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમ હેઠળ પણ અનેકવાર અરજીઓ કરવામાં આવી છે. એપ્રિલ 2025 અને મે 2025માં થયેલા સ્વાગત કાર્યક્રમોમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
જુલાઈ 2025માં યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર અને મામલતદારના આદેશ બાદ વડલો કાપવાની ફરીથી મંજૂરી આપવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત માટે પણ વિનંતી કરવામાં આવી હતી.જોકે, વીવીઆઈપી બંદોબસ્તને કારણે પોલીસ ફાળવી શકાઈ ન હોવાથી કાર્યવાહી થઈ શકી નહોતી. ત્યારબાદ 23 જુલાઈ, 2025ના રોજ યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ વિભાગ અને તાલુકા વિકાસ અધિકારીને સંકલન સાધીને 7 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.
આ જ સૂચના 24 જુલાઈ, 2025ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી. આટલી બધી સૂચનાઓ અને આદેશો હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે કારડીયા રાજપુત સમાજે માંગ કરી છે કે સમાજની વંડીને નુકસાન અટકે અને અન્ય સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય ન સર્જાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે કોડીનાર છારા ઝાંપા નાલંદા વિદ્યાલય થી ખાતેથી વડલો હટાવો વાડી બચાવો ના નારા સાથે રેલી યોજી કોડીનાર મામલતદાર ઓફિસ ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું.