હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં શહીદ રાકેશ રાણાને ગાર્ડઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય, પાર્થિવદેહને જોઈ પુત્રી પણ રડી પડી
પોરબંદરના દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઇવર સવાર હતાં. આ દુર્ઘટનામાં એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતો. જયારે 3 જવાનોના મોત થયાં હતાં. ત્યારે આ દુર્ઘટનામાં ઘટનામાં શહીદ રાકેશ રાણાને ગાર્ડઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડના ICG ALH MK-III હેલિકોપ્ટર ગત 2 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:15 કલાકે મોટર ટેન્કર હરિ લીલામાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ક્રૂ મેમ્બરના તબીબી સ્થળાંતર માટેના રેસ્ક્યુ દરમિયાન દરિયામાં ખાબક્યું હતું. આ હેલીકોપ્ટરમાં સમુદ્રમાં રેસ્ક્યુ માટે 2 પાયલટ અને 2 એર ક્રૂ ડ્રાઇવર હતા. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ અન્ય લોકો બચી ન શક્યા. બે જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક જવાન રાકેશ રાણા 38 દિવસથી લાપતા હતા. જેની શોધખોળ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ચાલી રહી હતી. આ દરમિયાન પોરબંદરના દરીયામાથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અને શહીદ રાકેશ રાણાના પરિવાર અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનોએ તેમને અંતિમ વિદાય આપી હતી.
ત્યારે શહીદ વીર રાકેશ રાણાના આજે અંતિમ સંસ્કાર વિધિ માટે લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે અધિકારીઓ અને પરિવારજનોએ પુષ્પાજંલી અર્પણ કરી હતી અને શહીદ વીરના પાર્થિવ દેહને બાથ ભીડી માતા રડી પડ્યા હતાં અને તેના પિતા બલદેવસિંહ રાણાએ કોસ્ટગાર્ડના જવાનો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કોસ્ટગાર્ડ દ્વારા રાકેશ કુમાર રાણાના મૃત દેહની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી અને અંતિમ યાત્રા પોરબંદર કોસ્ટ ગાર્ડ એર એન્કલેવથી સ્મશાન સુધીમાં અનેક અધિકારીઓ જોડાયા હતા. રાકેશ રાણાની પુત્રી અમાયરાએ અંતિમ સંસ્કાર કર્યા હતા.
શહીદ વીર રાકેશ રાણા હિમાચલના કાંગડા જિલ્લાના બેજનાથ તાલુકામાં આવેલ સનસાઈ ગામના રહેવાસી હતાં. શહીદ વીર રાકેશ રાણાના પરિવારના મોટાભાગના સભ્યો સુરક્ષા દળમાં ફરજ બજાવે છે તેમના પિતા બલદેવસિંહ રાણા પણ ઇન્ડિયન આર્મીમાં નિવૃત્ત અધિકારી છે. ત્યારે તેમની પત્ની સોનિયા રાણા તથા પુત્રી અમાયરા છે. પિતાના પાર્થિવ દેહને જોઇને પુત્રી પણ રડી પડી હતી. શહીદ વીર રાકેશ રાણાનો આગામી 7 નવેમ્બરના રોજ જન્મદિવસ હોય જેથી તેની પુત્રી અમાયરાએ પિતાને ગિફ્ટમાં એક બર્થ ડે કાર્ડ બનાવ્યું હતું જેમાં તેના પરિવારનું ચિત્ર દોર્યું હતું અને હેપી બર્થ ડે પાપા લખ્યુ હતુ આઈ મિસ માય ફાધર વેરી મચ લખ્યું હતું.