રાજુલા નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ હડતાળ પર
રાજુલા નગરપાલિકાના 150 જેટલા સફાઈ કામદારો 30 દિવસ કામની માગ સાથે હડતાળ પર ઉતરી જઈ ધરણા પર બેસી ગયા છે. જેના કારણે શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈની કામગીરી ઠપ્પ થઈ ગઇ છે. પાલિકાએ અન્ય એક એજન્સી મારફતે સફાઇ કરાવતા સફાઇ કામદારોએ કચરાના ઢગલા વિખેરી દઇ ગેરવર્તન કરતાં પોલીસ બોલાવવી પડી હતી. જો કામદારોની હડતાલ વધુ દિવસો ચાલે તો રાજુલામાં પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરવાની નોબત આવી શકે છે.
સફાઇ કામદારોની માગણી છે કે, જે 15-15 દિવસના વારા રાખવામાં આવ્યા છે. એ 15 દિવસના વારા બંધ કરી રેગ્યુલર કામ ઉપર લેવામાં આવે અને જે 25 વર્ષથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે સહિતની માગણીઓ સાથે 150 જેટલા કામદારો છેલ્લા ત્રણ દિવસથી હડતાળ કરી રહ્યા છે. જેથી સફાઇની કામગીરી ઠપ્પ થઇ જતા ગઇકાલે પાલિકાએ અન્ય એજન્સીના માણસો બોલાવી સફાઇ કરાવતા બબાલ થઇ હતી. જ્યારે આજે પણ બબાલ થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
સંતોષ ચૌહાણ નામના સફાઇ કામદારે જણાવ્યું હતું કે, હાલ સફાયકામદારોને 15-15 દિવસના વારા નગરપાલિકા કરાવી રહી છે, જે કાયદેસરનું શોષણ જ છે. ગુજરાતમાં 149 નગરપાલિકા છે, જ્યાં આવી કોઈ પ્રથા નથી, ફક્ત રાજુલા નગરપાલિકામાં જ 15 દિવસ કામ કરાવે અને 15 દિવસ છુટા કરે છે. હવે પછી અમારી માંગ આ 15 દિવસના વારા પ્રથા બંધ કરી રેગ્યુલર અમને કામ ઉપર લેવામાં આવે એવી છે. અમારા પ્રશ્ર્નોનું ધારાસભ્ય નીરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે..
આ અંગે રાજુલા નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થવન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, રાજુલામાં સફાઇ કામદારો બિનકાયમી છે. અત્યારે 15-15 દિવસના વારા છે. પ્રથમ 15 દિવસ 60 કામદારો અને બાકીના 55 કામદારો પછીના 15 દિવસ આવે. તેમણે કાયમી માગણી સાથેની લડત શરૂૂ કરી છે. હાલ અન્ય એજન્સી મારફતે સફાઇ કરાવાય છે. પરંતું આ કામદારોના વિક્ષેપથી અડચણ ઉભી થાય છે. ગઇકાલે પણ રકઝક થઇ હતી અને આજે પણ થઇ છે. જેથી હવે આવતીકાલે ફરીથી પોલીસ બોલાવીને સફાઇ કામગીરી કરાશે.