રાજકોટની ધો.6ની છાત્રા પર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડનું દુષ્કર્મ
મોરબીની યુવતી મારફતે સગીરાને આરોપી સાથે પરિચય થયો હતો, યુવતી સહિત ચારેયની ધરપકડ
સગીરા મોરબી ગઇ ત્યારે યુવતીના ઘરે રોકાઇ હતી, ત્યાં પણ અન્ય યુવકે અડપલા કર્યા
શહેરમાં ધો.6માં અભ્યાસ કરતી માત્ર 13 વર્ષની કિશોરી ઉપર એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની અને બીજા શખ્સે શારીરિક અડપલા કર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ભક્તિનગર પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
ભોગ બનનાર કિશોરીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. 28ના રોજ સાંજે તેની પુત્રી ઘરેથી ભાગ લેવા ગયા બાદ પરત આવી ન હતી. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી હતી પરંતુ ક્યાયથી પત્તો મળ્યો નહી. ત્યાર પછી મોટી પુત્રી પાસે રહેલા મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ ચેક કરતાં તેમાં લાપતા નાની પુત્રીએ સમીના નામની યુવતી સાથે ચેટ કર્યાનું જોવા મળ્યું હતું.એટલું જ નહીં એક મોબાઈલ નંબર ઉપર ઘણી વખત વાતચીત થયાનું જોવા મળ્યું હતું.જેથી તે નંબર ઉપર કોલ કરતાં મોરબીથી સમીના નામની યુવતીએ કોલ રિસીવ કરી તેની નાની પુત્રી પોતાની સાથે હોવાનું કહ્યું હતું. પરિણામે તત્કાળ મોરબી જઈ નાની પુત્રીને ઘરે લઈ આવી પૂછપરછ કરી હતી.
જેમાં તેણે કહ્યું કે એકાદ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમાં સર્મીના સાથે વાતચીત થઈ હતી. જેણે તેને સતીષ ગોહેલનું ઈન્સ્ટાગ્રામ આઈડી આપી તેમાં વાત કરવાનું કહ્યું હતું. જેથી તેણે સતીષ સાથે વાતચીત શરૂૂ કરી હતી. ક્યારેક-ક્યારેક સમીના ઇન્સ્ટાગ્રામમાં કોન્ફરન્સમાં સતીષને લઈ તેની સાથે વાતચીત કરાવતી હતી.
એકાદ માસ પહેલા તે મોટી બહેન અને જીજાજી સાથે બહાર જવાની હતી. પરંતુ તે વખતે સમીનાએ કોલ કરી કહ્યું કે તે રાજકોટ આવી છે અને તેની સાથે મળવું છે. પરિણામે તેણે બહેન અને જીજાજી સાથે જવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો. આ પછી તેને સમીના, તેનો ફ્રેન્ડ ફૈઝાન અને સતીષ તેડવા આવતા તેની સાથે જતી રહી હતી.બધા અટલ સરોવર ફરવા ગયા હતા. ત્યાંથી સમીના અને તેનો બોય ફ્રેન્ડ જતા રહ્યા બાદ સતીષ તેને નજીકમાં આવેલા મિત્રના ફલેટમાં લઇ ગયો હતો.જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.મોડી રાત્રિના ત્રણેય તેને ઘરે મૂકી ગયા હતાં. ગઈ તા. 28ના રોજ પણ સમીનાએ કોલ કરી બહાર ઉભું રહેવાનું કહ્યું હતું. જેથી બહાર જતાં ફૈઝાન અને સમીના બાઇક લઈને ઉભા હતા.
બંને તેને મોરબી લઇ ગયા હતાં. જ્યાં સમીનાના ઘરે રોકાઈ હતી. તે વખતે સમીનાએ તેને આફતાબનું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી તેનો ભાઈ હોવાનું સાથોસાથ તેની સાથે ફ્રેન્ડશીપ કરવાનું કહ્યું હતું. થોડીવાર બાદ આફતાબે આવી તેના શરીર સાથે અડપલા કર્યા હતા. પુત્રીની આપવિતી જાણ્યા બાદ ગઇકાલે રાત્રે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી સતીષ વિજયભાઈ ગોહીલ (ઉ.વ.19, રહે. કાલાવડ), આફતાબ રફીક જુણેજા (ઉ.વ.20, રહે. પરસાણાનગર શેરી નં. 7), સમીના શાહમદાર (ઉ.વ.20, રહે. મોરબી) અને ફૈઝાન અકબર ચાનિયા (ઉ.વ.19, રહે. મોરબી)ની ધરપકડ કરી હતી.આ ઘટનામાં ઝડપાયેલા સતીશ સ્વીગીમાં ફૂડ ડિલિવરીમેન છે અને સોશિયલ મીડિયા ઇંફ્લુએન્સર પણ છે અને ફેજાન પણ ફૂડ ડિલિવરીમેન છે. આરોપીઓને પકડવાની કામગીરી ભક્તિનગર પોલીસના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં એએસઆઈ હર્ષભાઈ માવદીયા અને પ્રભાતભાઈ મૈયડ દ્વારા કરવામાં આવી હતી.