રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું : બે લાખ મણથી વધુ આવક
સોયાબિન, ઘઉં, ચણા, લસણ, મગ, કાળા તલ, સિંગફાડા અને જીરૂની મબલક આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાંની એક છે. જયા ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે. રોજેરોજ જણસી વેચાણ માટે આવે છે. જેમાં આજે મગફળી, સોયાબીન, ઘંઉ, ચણા, લસણ, મગ, કાળા તલ, સિંગફાડા અને જીરૂના પાકની મબલક આવક થવા પામી હતી. આજે મગફળીની મબલક આવક નોંધાતા સમગ્ર યાર્ડ જણસીથી છલકાયુ હતું.
આજે અંદાજે 1300થી વધુ વાહનોમાં જણસીની આવક થતા યાર્ડમાં વાહનોની અવર-જવર અને ગાડીઓમાંથી ઉતરતા પાકના ઢગલાઓએ બજારને જીવંત બનાવી દીધુ હતું. યાર્ડમા સૌથી વધુ મગફળીની આવક 204000 મણ નોંધાઇ હતી. યાર્ડમાં ઠેર-ઠેર મગફળીના ઢગલાઓ જોવા મળી રહ્યા હતા.
આ ઉપરાંત સોયાબીનની 9000 મણ ઘઉંની 4500 મણ, ચણાની 4500 મણ, લસણની 4200 મણ, મગ 3200 મણ, સફેદ તલ 4000 મણ, સિંગફાડા 5000 મણ, જીરૂની 3500 મણ અને કાળાતલની 3000 મણની આવક યાર્ડમાં થવા પામી હતી. જણસીની વધુ આવક થતા યાર્ડની બહાર વાહનોની કતારો લાગી હતી.
જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરવામાં આવી હતી. રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.