રાજકોટની પરિણીતાનું ‘કુળદીપક’ને જન્મ આપ્યા બાદ મોત: તબીબી બેદરકારીનો આક્ષેપ
રાજકોટ શહેરના નવા થોરાળા મેઈન રોડ બાપા સિતારામ સોસાયટીમાં રહેતા 19 વર્ષના પરિણીતાને ગઈ તા.11ના રોજ પ્રસુતાની પીડા ઉપડતાં તેમને તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યાં તેણીએ પુત્રને જન્મ આપ્યા બાદ તબિયત લથડતાં પરિણીતાને તુરંત અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજતાં તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેમજ પરિણીતાના મોતને લઈ તેમના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને તબીબી બેદરકારીનો ગંભીર આક્ષેપ કરતાં મૃતકનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.
વધુ વિગતો મુજબ નવા થોરાળા મેઈન રોડ પર આવેલી બાપાસિતારામ સોસાયટી શેરી નં.4માં રહેતા નંદનીબેન સુનિલભાઈ રાઠોડ નામના દેવીપૂજક પરિણીતાને ગઈ તા.11ના રોજ પ્રસુતાની પીડા ઉપડતાં તેમને સૌપ્રથમ સતનામ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેમણે પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ નંદનીબેનને આંચકી ઉપડતાં ત્યાંથી જલારામ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાં તેણીની સારવાર દરમિયાન સાંજના સમયે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ પરિણીતાના મૃત્યુથી પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ લગાવી દેકારો મચાવ્યો હતો અને આ બનાવની જાણ થતાં માલવીયા પોલીસ મથકના સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પરિવારજનોએ આક્ષેપો કરતાં કહ્યું હતું કે બન્ને હોસ્પિટલનાં તબીબોએ અમોને અંધારામાં રાખ્યા હતાં અને કોઈ બાબતની જાણ શુધ્ધા પણ કરી નહોતી. તેણીને લોહી ચડાવ્યું તે વાત પણ કરી નહોતી. નંદનીબેનને માવતર કુંબલીયાપરામાં છે તેમના પિતાનું નામ ઉમેશભાઈ રઘુભાઈ સોલંકી છે. પોતે બે ભાઈ ચાર બહેનમાં મોટી અને તેમના લગ્નને એક વર્ષ થયું છે. ત્યારે પરિવારમાં એક બાજુ પુત્ર રત્નનો હરખ અને બીજી બાજુ જનેતાએ આંખ મીચી દેતાં પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી.