રાજકોટ સ્પિપાની કરામત કે લોચો? 20 માર્કસ આવ્યા છતાં ઉમેદવાર પાસ
રાજકોટ સ્પીપામાં એક પરીક્ષકને 50માંથી માત્ર 20 માર્ક આવ્યા હોવા છતાં તેને પાસ જાહેર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ અધિકારીઓ અને સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા છે.
રાજકોટ સ્પિપા ખાતે યોજાયેલ સીસીસી પ્લસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં થિયેરી કે પ્રેક્ટિકલના પેપરમાં ઓછામાં ઓછા 25 માર્કસ હોય તો જ ઉમેદવાર પાસ થાય છે. પરંતુ પરિણામમાં 50માંથી 20 માર્કસ હોવા છતાં એક ઉમેદવારને પાસ કરી દેવાયાનો દાવો યુવરાજસિંહ જાડેજાએ કરી આ અંગેના પુરાવા પણ જાહેર કર્યા છે.
યુવરાજસિંહે જણાવેલ છે કે, રાજકોટ SPIPAના અમુક અધિકારીઓ CM કરતા પણ વધુ પાવર કરતા હોય છે, અનેકવાર ત્યાં પરીક્ષા આપનાર કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા જોવા મળ્યા છે.
રાજકોટ SPIPAને કઈ પૂછવા જેવું નહીં, કેમ કે સામાન્ય કર્મચારી પણ પૂછવા જાય તો મોઢું તોડી લે છે. ત્યાં કોઈ પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે જવાબ એવો મળે છે જે તકલીફ હોય તો અમદાવાદ સેન્ટર ખાતે વાત કરો, અહીંયાથી શા માટે ફોર્મ ભરો છો, તેવા તોછડાઈથી જવાબ આપવામાં આવે છે. તેણે જણાવ્યું કે, બધી પ્રોસેસ કોમ્પ્યુટરરાઇઝ હોઈ છે, તો શું મશીન આવી ભૂલ કરી શકે ? બધાને કમાન્ડ તો એક સરખો જ આપ્યો હોય. જોવું એ પણ રહ્યું કે સેન્ટરની ભૂલ સાબિત થાય તો તેમના અધિકારી કોની સામે અને કેવા પગલાં ભરે છે ! SPIPA રાજકોટ કયા નિયમ પર ચાલે છે ? કોણ જવાબદાર છે? અત્યારે તો એક જીલ્લાના જાહેર થયેલા પરિણામમાં છબરડો ગણવો કે બેદરકારી તે સમજાતું નથી ?