રાજકોટ : NFSA કાર્ડધારકોને નોટિસ આપવાની કામગીરીનો રેશનિંગના વેપારીઓ દ્વારા બહિષ્કાર
સરકારની અધકચરી ગાઇડલાઇનના કારણે ગ્રાહકો સાથે થતુ ઘર્ષણ
રાજકોટ શહેર ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને શંકાસ્પદ NFSA રેશનકાર્ડ ધારકોને નોટસ આપવાની કામગીરીનો વિરોધ કર્યો છે. એસોસિએશને રાજકોટ શહેરના ઝોનલ ત્રણ અને ચારના ઝોનલ ઓફિસર સમક્ષ રૂૂબરૂૂ રજૂઆત કરીને આ નોટિસ વિતરણની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
એસોસિએશનના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોને નોટિસ આપીને તેમનો NFSA નો દરજ્જો છીનવી લેવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો ભોગ દુકાનદારો બની રહ્યા છે. વેપારીઓ ગ્રાહકોને અનાજનો જથ્થો આપવાનો ઇનકાર કરતા નથી, પરંતુ સરકારી નિયમોના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો ગ્રાહકને નોટિસ મળી હોય તો તેને અનાજનો જથ્થો આપવો કે નહીં તે અંગે વેપારીઓ મૂંઝવણમા છે જેના કારણે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. એસોસિએશને આ કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે, જેથી વેપારીઓને થતી હેરાનગતિ અટકી શકે.
આ રજૂઆત દરમિયાન ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજા, ખજાનચી પરેશભાઈ પતિરા, રાજકોટ શહેર ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ માવજીભાઈ રાખસિયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ ડવ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.