રાજકોટ પોલીસ 200 ફૂટ ઉંડા પાણીમાં કરી શકશે તપાસ
સરકારે ડીપ ટ્રેકર ફાળવ્યા, ડહોળા પાણીમાં પણ ચોકસાઇથી કરી શકશે નાઇટ ઓપરેશન
360 ડિગ્રી ફરી શકે અને 100 કિલો વજન ઉપાડી શકે તેવો ગ્રેબર આર્મ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષામાં નવા આયામો ઉમેરી રહી છે. આ દિશામાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ હેઠળ, ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રૂૂ.2.80 કરોડના ખર્ચે બે અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ ખરીદ્યા છે. આ બેમાંથી એક વિહિકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે.
આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વિહિકલ પાણીની અંદર 200 મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે. આ વિહિકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા (એવિડન્સ) રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂૂપ થશે.
ડીપ ટ્રેકર વિહિકલની વિશેષતાઓએ છે કે તે પાણીની અંદર 200 મીટર સુધીની ઊંડાઈએ જઈ શકે છે. સ્પષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન (UHD) 4K કેમેરાથી સજ્જ, નાઈટ ઓપરેશન માટે 2000 લ્યુમેનની શક્તિશાળી લાઈટ ડહોળા પાણીમાં પણ ચોક્કસ ઓપરેશન કરવા માટે અત્યાધુનિક મલ્ટીબિમ SONAR(સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ) ટેકનોલોજીનો ઉપયોગ, 360 ડિગ્રી ફરી શકે તેવો અને 100 કિલો સુધીનું વજન પકડીને બહાર કાઢી શકે તેવો ગ્રેબર આર્મ છે.
પોલીસ માટે ખૂબ ઉપયોગી ડીપ ટ્રેકર વિહિકલનો ઉપયોગ અનેક મહત્વપૂર્ણ કામગીરી માટે થઈ શકશે જેમાં અંડરવોટર સર્ચ એન્ડ રિટ્રિવલ, પુરાવા (એવિડન્સ) સર્ચ એન્ડ રિકવરી, અંડરવોટર સર્વેલન્સ, અંડર વોટર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન પોસ્ટ ક્રાઇમ વિડીયોગ્રાફીનો સમાવેશ થાય છે.તાજેતરમાં ગુજરાત પોલીસે ગંભીરા દુર્ઘટનામાં પણ આ વિહિકલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ વિહિકલનું સંચાલન ગુજરાત પોલીસના જ અધિકારી-કર્મચારીઓ કરે છે. આ માટે પોલીસ અધિકારી કર્મચારીઓએ ત્રણ-ત્રણ દિવસની ખાસ તાલીમ પણ મેળવી છે.