દેશભક્તિના રંગમાં રંગાયું રાજકોટ, જેપી નડ્ડા-મુખ્યમંત્રીએ તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ
રાજકોટમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. . મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે, આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું મોટુ યોગદાન છે. ગાંધીજી, સરદાર પટેલને ના ભૂલી શકાય.
આ તિરંગાયાત્રાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સ્વતંત્રતા પર્વને જનઆંદોલન બનાવવા માટે વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા અભિયાનની પ્રેરણા આપી છે. તેમના માર્ગદર્શનમાં આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું આયોજન રાજકોટથી થઇ રહ્યું છે.વડાપ્રધાન સ્પષ્ટ પણે માને છે તે તિરંગો લોકોને એક સાથે લાવે છે. આઝાદી કા અમૃત મહોત્ત્સવ, મેરી મીટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા કાર્યક્રમોએ સફળતા મેળવી છે.
તિરંગાયાત્રામાં રાજકોટની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા છે. . તિરંગાયાત્રાનો પ્રારંભ થવાનો છે તે સ્થળ બહુમાળી ભવન ખાતે યુવાનો અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા છે અને રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી સેલ્ફી પણ લઈ રહ્યા છે.
આ કાર્યકર્મમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પરશોત્તમ રૂપાલા, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા સહિતના નેતા હાજર રહ્યાં હતા. 11 ઓગસ્ટે સુરત, 12 ઓગસ્ટે વડોદરા અને 13 ઓગસ્ટે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે.