એરફોર્સની કવાયતના કારણે રાજકોટ-મુંબઈની ફ્લાઈટ રદ
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી સવારની ઈન્ડિગોની રાજકોટથી મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. આ ફ્લાઈટમાં 180 જેટલી સીટમાંથી અંદાજે 150 જેટલા મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી, પરંતુ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોને એરલાઈન્સ કંપનીએ મેસેજ કરી જાણ કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ એરફોર્સની કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવામાં આવી હોવાથી વિમાની સેવાને અસર થવા પામી છે. રાજકોટતી પુના જતી ફલાઈટ પણ મોડી પડી હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી દરરોજ સવારે 7.05 વાગ્યે મુંબઈથી ઉપડતી ઇન્ડિગોની ફ્લાઈટ 8.15 વાગ્યે રાજકોટ પહોંચે છે અને આ ફ્લાઈટ 9 વાગ્યે રાજકોટથી ઉપડી 10.10 વાગ્યે મુંબઈ પહોંચે છે. જોકે આજની આ ફ્લાઈટ એરસ્પેસ બંધ હોવાના કારણે કેન્સલ કરવામાં આવી છે. વડોદરા એરપોર્ટ પર પણ આજે સવારે મુસાફરોને વિલંબનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઈં 823 તેના નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડી પહોંચી હતી. તો વડોદરાથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફલાઈટ પણ મોડી પડી હતી.