ચૂંટણી પંચના ટોપ-10માં રાજકોટ ગાયબ, પણ 96% કામગીરીનો દાવો
રાજ્ય ચૂંટણી પંચ મુજબ સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે, તો પછી રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં કેમ નહીં?
રાજ્યમાં અત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે, પરંતુ આ કામગીરીના આંકડાઓને લઈને રાજ્ય ચૂંટણી પંચ અને રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી વચ્ચે મોટો વિરોધાભાસ સામે આવ્યો છે. ગાંધીનગર અને રાજકોટના આંકડાઓમાં આભ-જમીનનો ફેર જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.
મંગળવારના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં સૌથી વધુ SIRની કામગીરી ડાંગ જિલ્લામાં 93% છે. નવાઈની વાત એ છે કે, ચૂંટણી પંચના આ લિસ્ટમાં ટોપ-10 જિલ્લાઓમાં ક્યાંય પણ રાજકોટનું નામ નથી.
જ્યારે બીજી બાજુ, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીએ દાવો કર્યો છે કે રાજકોટ જિલ્લામાં 96% જેટલી જઈંછ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આટલું જ નહીં, જિલ્લાના જસદણ, ગોંડલ અને ધોરાજી જેવા તાલુકાઓમાં તો 100% કામગીરી પૂરી થયાનો દાવો કરવામાં આવ્યો છે. હવે સવાલ એ થાય છે કે સાચું કોણ? જો રાજકોટની કામગીરી 96% હોય, તો તે 93% કામગીરી ધરાવતા ડાંગ કરતા આગળ હોવું જોઈએ, છતાં ટોપ-10માં કેમ નથી?
રાજ્યવ્યાપી ઝુંબેશ અને ડિજીટાઈઝેશન સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આ અંગે મળતી માહિતી આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100% પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે.
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 16 લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 4.40 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 23 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 2.82 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી
1 ડાંગ 93.55
2 ગીરસોમનાથ 89.62
3 મોરબી 89.07
4 સાબરકાંઠા 89.00
5 બનાસકાંઠા 88.96
6 મહીસાગર 88.91
7 છોટા ઉદેપુર 88.81
8 પંચમહાલ 87.88
9 અરવલ્લી 87.67
10 સુરેન્દ્રનગર 87.45