પ્રદૂષણમાં રાજકોટ દિલ્હી સાથે રેસમાં, એર ક્વોલિટી ઇન્ડેક્સ 210ને પાર
કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરી, નાનામવા, રામદેવ પીર, સોરઠિયાવાડી, જામટાવર સહિતના સર્કલો પર એર ક્વોલિટી બગડી
રાજકોટ શહેરમાં શિયાળાની શરૂઆત થતા જ અનેક વિસ્તારોમાં પ્રદૂષણ સતત વધતુ હોવાના રિપોર્ટ મનપા દ્વારા જારી કરવામાં આવ્યા છે. કમાન્ડ અને કંટ્રોલ ખાતે સેન્સર દ્વારા નોંધાયેલા આંકડા મુજબ ફરી વખત રામદેવપીર ચોકડી, જામટાવર, સારોઠીયાવાડી સર્કલ, નાનામવા સર્કલ અને કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સર્કલ ખાતે સૌથી વધુ એક કવોલીટી ઇન્ડેસ જોવા મળ્યો છે. સવારેમાં ધુમ્મસ હોય ત્યારે એર કવોલીટી ઇન્ડેસ વધતો હોવાનુ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. છતાં દિવસ દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી એર કવોલીટી ઇન્ડેસ 110માંથી 210 સુધી પહોંચી ગયો છે. જેના લીધે બિમારી લોકો અને વૃધ્ધો સહિતનાને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હોવાનુ જાણવા મળેલ છે. ગઇકાલે અને આજે જાહેર થયેલા એર કવોલીટી ઇન્ડેસ મુજબ ફરી વખત શહેરની મધ્યમાં આવેલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સર્કલ ખાતે એર કવોલીટી ઇન્ડેસ 210ને પાર થયો હોવાનુ નોંધાયું છે.
રાજકોટ શહેરની વસ્તીની સાથે વાહનોની સંખ્યા વધતા અને શિયાળાની શરૂઆત થતા સુકા પવનો સાથે ધુળની ડમરીઓ ઉડતા દિવસેને દિવસે પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક બની રહ્યું છે. શહેરની હવામાં શ્વાસ લેવો અઘરો પડી રહ્યો છે ત્યારે ગુરુવારે દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 210ને પાર કરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સેન્સર મૂકવામાં આવ્યાં છે. ગુરુવારે આ સેન્સરોએ જે આકડા રજૂ કર્યા તે ચિંતાજનક જોવા મળ્યાં હતાં. સોરઠિયાવાડી સર્કલે 140, કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ચોકમાં 210, જામટાવર પાસે 108, રામદેવપીર ચોકડીએ 106, નાનામવા સર્કલે 108, પ્રદ્યુમ્ન પાર્કમાં 135, જોવા મળ્યો હતો. આ તમામ વિસ્તારો સૌથી વધુ પ્રદૂષિત જોવા મળ્યાં હતાં. અલબત પ્રદૂષણ વધવાનું એ કારણ ઋતુગત ફેરફાર હોવાનું પણ સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં તાપમાનના ઘટાડાને કારણે થતાં ઈન્ડવર્ઝનને લીધે નીચેના સ્તરથી પ્રદૂષણની સમસ્યા ઉભી થતી હોય છે જે વિસ્તારોમાં પ્રદૂષણનો આંકડો વધુ આવ્યો છે તે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારો છે. અહીં ઔદ્યોગિક પ્રદૂષણ નહીં પરંતુ વાહનોની અવરજવર અને ધૂળો ઉડતા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. તેવી જ રીતે હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તાનું મેટલીંગ કામ અને પેવર કામ ચાલુ હોવાથી આવા વિસ્તારોમાં સતત ધૂળયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે ગત વર્ષની તુલનાએ રાજકોટ શહેરમાં આ વર્ષે પ્રદૂષણમાં વધારો થયો હોવાનુ તંત્ર જણાવી રહ્યુ છે.
બાંધકામોમાં નિયમોનો ઉલાળિયો કારણભૂત
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પ્રદૂષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મુખ્યત્ર્વે વાહનોની વધતી જતી સંખ્યા અને રોડ રસ્તાના કામો ઉપરાંત નવા બાંધકામો માટે બનાવવામાં આવેલ નિયમોનું પાલન કરાવવામાં તંત્ર ઉણુ ઉતરીયુ છે. સતત ભીડભાડ વાળા અને મુખ્ય માર્ગ ઉપર નવા બાંધકામો માટે નેટ ફરજિયાત બનાવવામાં આવી છે. છતા અનેક વિસ્તારોમાં આ નિયમોનુ ઉલ્લઘન થતુ હોય બાંધકામ દરમિયાન ઉઠતા રજકંણો હવામાં ભળી જવાથી પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો હોવાનુ જાણકારો કહી રહ્યા છે.