રાજકોટ-ગોંડલ હાઇવે ભાંગીને ભૂક્કો, ઠેર-ઠેર જામ છતાં ટોલ ટેક્સ અણનમ
સ્થાનિકો-વાહનચાલકોની તંત્રને અસંખ્ય વખત રજૂઆત, નેતાઓની આંખે અંધાપો !
દેશભરમાં સારા રોડની સુવિધા માટે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ રાજકોટમાં જિલ્લામાં આવેલા ટોલપ્લાઝા ઉપર મોટી વસુલાત સામે સુવિધાના નામે મીંડુ છે.વાત છે ગોંડલ અને જેતપુરમાં આવતા ટોલનાકાની જ્યાં ટોલટેક્સ તો તોતીંગ રીતે વસુલાય છે, પરંતુ આ રસ્તાઓ પરથી પસાર થવુ રાહદારીઓ માટે પણ મોટા પડકારથી ઓછુ નથી.
રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા ગોંડલ અને જેતપુર સુધીના રોડની પરિસ્થિતિ જોતા એવુ લાગે કે તમે કોઈ ગામડાના વર્ષો પહેલાના બનેલા રોડ પરથી પસાર થઈ રહ્યા હોવ.કહેવાતો નેશનલ હાઈવે બિમાર અને બિસ્માર છે.રોડ પર ખાડાઓ છે કે ખાડામાં રોડ છે તે જ નક્કી કરવુ મુશ્કેલ બની રહ્યું છે.આ રોડ પર એક બે નહીં પરંતુ અસંખ્ય ખાડાઓ છે.આ રોડ પસાર કરવો કોઈ ચેલેન્જથી ઓછો નથી.આ રસ્તા પરથી પસાર થવુ એટલે જીવ પડીકે બાંધીને નીકળવા સમાન છે.
આ મામલે નાગરિક જનકભાઈએ જણાવ્યું હતું કે,રાજકોટ ગોંડલ હાઇવે પરના રસ્તાઓની આવી ખસ્તા હાલત છે,પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ ઉઘરાવવામાં કોઈ બાંધછોડ હોતી નથી.અહીંથી પસાર થતા લોકોને કમર અને સાંધાના દુ:ખાવાની સમસ્યા થઈ જાય તેવા રસ્તા પર ખાડા પડી ગયા છે.એવુ નથી કે આ ખાડાઓ દૂર રસ્તા વચ્ચે પડ્યા છે. બરાબર ટોલ નાકા નજીક જ રોડ પર મસમોટા ખાડા પડેલા છે.અહીં આ ટોલનાકાનું મેનેજમેન્ટ ઉચ્ચ કક્ષાના વ્યક્તિ વગર કરવામાં આવી રહ્યું છે.રોજે રોજ લાખો લોકો આ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યાં છે.છતાં આ નિભરતંત્ર દ્વારા કોઈ મોટા અકસ્માતની જાણે રાહ જોવાઇ રહી છે?
અત્રે ઉલ્લેખનીય છે કે,હાલ રાજકોટ ગોંડલ હાઇવે પર સિક્સલેનનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.જેના થકી રોજે રોજ નીકળતા અંદાજીત લાખો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તેની સામે સ્થાનિકોએ અને વાહનચાલકોએ વારંવાર આ સમસ્યાની તંત્રને રજૂઆત કરવા છતા વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.તેમજ સ્થાનિક નેતાઓ પણ ચૂપ બેઠા છે.તેમજ વાહન ચાલકો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે તંત્રને માત્ર ટેક્સના પૈસામાં જ રસ છે સુવિધા આપવામાં નહીં!
હવે રાજકોટથી અમદાવાદ જવા જેટલો સમય ગોંડલ જવામાં થશે!!!
રાજકોટથી ગોંડલ વચ્ચેનો રસ્તો વરસાદમાં ધોવાયો હતો.આ રસ્તામાં અનેક નાના મોટા ખાડા પણ પડ્યા છે.અહીં રાજકોટથી ગોંડલ જતા રસ્તે હાલ સિક્સલેનનું કામ ચાલી રહ્યું છે.ત્યારે આવા અણઘણ કામથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.તુલસી વિવાહના દિવસે મુખ્યમંત્રી ગોંડલ આવ્યા હતા તે દિવસે જ રાજકોટ ગોંડલ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને વાહનચાલકોની પાંચ કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી હતી.ત્યાં હાજર એક ચાલકે જણાવ્યું હતું કે,રાજકોટથી અમદાવાદ જવામાં જેટલો સમય થાય તેટલો સમય ગોંડલ પહોંચવામાં થઈ રહ્યો છે.આવા ભાંગીને ભુક્કા થઈ ગયેલા રસ્તાનું કામ હાલ ચાલી રહ્યું છે પ્રજાને આ મુશ્કેલીઓનો સામનો કેટલો સમય સુધી કરવો પડશે?તે વિચારવું રહ્યું!