હળવદના સાપકડામાં રાજકોટ ફલાઇંગ સ્કવોડના દરોડા, 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ફલાઇંગ સ્કવોડે દરોડો પાડતા ખનન માફિયાઓમાં ફફડાટ
હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડે રેડ કરી હતી. જેમાં મોરમનુ ગેરકાયદે ખનન કરતા હિટાચી અને ડમ્પર સાથે રૂૂ. 1.30 કરોડનો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ હવાલે કરી ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ માટીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને ભૂમાફિયાઓ રાતોરાત તગડી રકમ કમાઈને માલામાલ બની જાય છે. ખુલ્લેઆમ ખનીજ ચોરી ધમધમી રહી છે. છતાં સ્થાનિક તંત્રને દેખાતું નથી. હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ખનીજ ખનન-વહનનો કારોબાર બેફામ ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે રાજકોટ ફ્લાઈંગ સ્કોવડ દરોડો ખનીજ માફિઓમાં ફફડાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ હળવદના સાપકડા ગામની સીમમાં મોરમનુ ગેરકાયદે ખનન થતું હતું. તે દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડ રાજકોટ દ્વારા દરોડો પાડીને રૂૂ. 70 લાખનું હિટાચી અને રૂૂ. 60 લાખનું ડમ્પર કબ્જે કર્યું હતું. આ દરોડામાં કુલ રૂૂ. 1.30નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડો પાડ્યો ત્યારે હિટાચી ડ્રાઈવર પંકજભાઈ મહેશભાઈ અને ડમ્પર ડ્રાઈવર પારસ પચાણભાઈની પૂછપરછ કરતા ડમ્પર અને હિટાચીના માલિક સુનિલ પોરડિયા હોવાનું સામે આવ્યું હતું.