રાજકોટની પેઢીનું કરોડોનું બિલિંગ કૌભાંડ, ભાજપના ધારાસભ્યના પુત્ર સહિત એક ડઝન સરકારી કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી ફરિયાદ
શાપરમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી બનાવી એક જ પાનકાર્ડ ઉપર અલગ-અલગ રાજ્યમાં છ કંપનીઓ ઊભી કરી
સરકારી કોન્ટ્રાક્ટરો બોગસ બિલો લઇ સરકારની કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ હજમ કરી ગયા
ડીજીજીઆઇની ફરિયાદ પરથી ક્રાઇમબ્રાંચે અમદાવાદ-સુરત-ભાવનગર-સોમનાથ-જુનાગઢમાં પાડેલા દરોડા
સરકાર દ્વારા જીએસટી લાગુ ર્ક્યાને સાત વર્ષ થયા છતા હજુ પણ બોગસ બીલિંગ અને ડમી કંપનીઓ ઉભી કરીને કરોડો રૂપિયા ચાંઉ કરી જવાનું બંધ થતુ નથી. ગઇકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજ્યભરમાં અલગ-અલગ બાર કંપનીઓ પર દરોડા પાડીને વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરયો છે. આ કૌભાંડમાં તલાલાના ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય અને ભત્રીજા વિજય-રમેશ સહિતના લોકોની સંડોવણી બહાર આવી છે. આ તમામ કૌભાંડીયાઓ સરકારી કોન્ટ્રાક્રટરો છે. સરકારી કામ વપરાતા લોંખડ માટે બોગસ કંપનીઓ ઉભી કરીને ખોટી ટેક્સ ક્રેડિટ મેળવતા હતા. આ સમગ્ર કૌભાંડનું એપીસેન્ટર રાજકોટ નીકળ્યું છે.
આ મામલે ગઇકાલે પડાવવામાં આવેલા રાજ્યવ્યાપી દરોડા બાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં જીએસટી ઇન્ટેલીજન્સ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અલગ-અલગ અગિયાર સરકારી કોન્ટ્રાક્ટરો રાજકોટમાં શાપર પાસે કોરાટના નાકે રોટોમેક ફોર્જિંગ પાસે, દુકાન નં.4ના નામે સરનામું ધરાવતી ધ્રૂવી એન્ટરપ્રાઇઝ નામની પેઢી પાસેથી લોંખડના બોગસ બીલો લેતા હતા. માલ મગાવ્યા વિના જ ફક્ત ઇવે બીલ જનરેટ કરીને આ વ્યવહારો કરવામાં આવતા હતા. આ ધ્રૂવી એન્ટરપ્રાઇઝના રજીસ્ટ્રેશન માટે આપેલ ભાડા કરાર ડમી હોવાનું ખુલ્યું હતું. જેના પગલે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ધ્રૂવી એન્ટરપ્રાઝના પાન નંબર ઉણઝઙખ1092ખના આધારે ગુજરાતમાં એક તેમજ મહારાષ્ટ્રમાં ત્રણ અને તમિલનાડુમાં બે કંપનીઓ ખુલવામાં આવી હતી. આ કંપનીઓમાંથી ગુજરાત સહિતના રાજ્યોમાં સરકારી કોન્ટ્રાક્ટરોને અબજો રૂપિયાના ખોટા બીલ આપીને ક્રેડિટ પાસઓેન કરી દેવામાં આવતી હતી. ધ્રૂવી એન્ટરપ્રાઇઝ કંપની નેમીશ ટ્રેડર્સ અને સોલંકી ઇન્ટરપ્રાઇઝનામની બે પેઢી પાસેથી ખરીદીના બીલો લેતી હતી અને સામે અગિયાર અલગ-અલગ સરકારી કોન્ટ્રાક્ટરોને વેચાણ બીલ આપતી હતી.
જીએસટીના અધિકારીઓએ વધારે તપાસ કરતા માલુમ પડ્યુ કે, ધ્રૂવી એન્ટરપ્રાઇઝ ફક્ત એક જ રાજ્યમાં નહીં પરંતુ અલગ-અલગ ઘણા રાજ્યોમાં બોગસ બીલિંગનું કામ કરે છે.ગઇકાલે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં જીએસટી ઇન્ટરલીજન્સની ફરિયાદ બાદ અલગ-અલગ બાર પેઢીના પ્રોપરાઇટર, પાર્ટનરો, ડાયરેક્ટરો સામે આઇપીસીની ક્લમ 420, 467, 468, 471 અને 474 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય બારડની પેઢીએ પણ 10.46 લાખના બોગસ બિલ લીધા
જીએસટી ઇન્ટરલીજન્સના અધિકારીએ અમદાવાદ ક્રાઇમબ્રાંચના નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તાલાલાના ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય ભગવાનજીભાઇ બારડ અને ભત્રીજા વિજય બારડ અને રમેશ બારડની આર્યન એસોસીએટ્સ નામની પેઢીએ રાજકોટની ધ્રૂવી એન્ટરપ્રાઇઝ પાસેથી કુલ રૂા.10,46,484ના બીલો લઇ રૂા.2,93,016ની ગેરકાયદે વેરાશાખ મેળવી લીધી છે.
કઇ કઇ પેઢીઓની સંડોવણી
1) ધૃવી એન્ટરપ્રાઈઝ, પ્રો.હરેશ ભકા મકવાણા, દુકાન નં.4, રોટોમેક ફોર્જિંગ, કોરાટના નાકે, શાપર રાજકોટ
2) અર્હમ સ્ટીલના પ્રો.- નિમેષ મહેન્દ્રકુમાર વોરા, હેતલબેન વોરા
3) ઓમ કંસ્ટ્રક્શન કંપનીના પ્રો.- સરવૈયા રાજેન્દ્રસિંહ, વનરાજસિંહ, બ્રિજરાજસિંહ અને હિત્વરાજસિંહ
4) શ્રી કનકેશ્વરી એન્ટરપ્રાઈઝના પ્રો.- કાળુભાઇ વાઘ, વિજય વાઘ, પ્રફુલભાઈ વાજા, મનન વાજા, જયેશભાઈ વાજા
5) રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રો.રત્નદીપસિંહ ડોડીયા, જયેશકુમાર સુતરીયા, અરવિંદભાઈ સુતરીયા
6) હરેશ કંસ્ટ્રક્શન કંપનીના પ્રો.- નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા
7) ડી.એ. એન્ટરપ્રાઈઝના પ્રો.-લાંગા મનોજકુમાર, રામભાઈ, વિનુભાઈ, નટુભાઈ પટેલ
8) ઇથિરાજ કંસ્ટ્રક્શન પ્રા.લી.ના પ્રો.- નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા
9) બી.જે.ઓડેદરાના પ્રો.-ભગીરથ ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ જેસાભાઇ ઓડેદરા, ભોજાભાઈ જેસાભાઈ ઓડેદરા, અભાભાઈ જેસાભાઇ ઓડેદરા
10) આર.એમ.દાસા ઇન્ફાસ્ટ્રકચર પ્રા.લી.ના પ્રો.-નાથાભાઇ મેરુભાઇ દાસા, રણમલભાઇ મેરુભાઇ દાસા
11) આર્યન એસોસીએટ્સના પ્રો.-અજય ભગવનાભાઇ બારડ, વિજયકુમાર કાળાભાઇ, બારડ રમેશ કાળાભાઈ બારડ
12) પૃથ્વી બિલ્ડર્સના પ્રો.- પરેશ પ્રદિપભાઇ દોઢીયા, પરેશ પ્રદિપભાઇ દોઢીયા
બોગસ ભાડા કરારના આધારે ૠજઝ નંબર લેનાર ધ્રુવી એન્ટરપ્રાઇઝના માલિકો અંગે સસ્પેન્સ
શાપર-વેરાવળનાં બોગસ ભાડા કરારના આધારે જીએસટી નંબર મેળવનાર ધ્રુવિ એન્ટરપ્રાઇઝના માલિકો અંગે સસ્પેન્સ યથાવત રહ્યો છે. આ પેઢીનો જીએસટી નંબર બોગસ ભાડા કરારના આધારે લેવાયો હતો અને ધ્રુવિ એન્ટપ્રાઇઝના કાગળ ઉપરના માલિક તરીકે હરેશ ભકા મકવાણાનું નામ બોલે છે. જો કે, પોલીસ એફઆઇઆરમાં તેનું નામ જાહેર કરાયું નથી. મતલબ કે, આ નામ પાછળ કોઇ મોટા માથાઓએ કરોડોની કરચોરીનો ખેલ પાડ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. ગરીબ માણસના પાનકાર્ડ અને આધારકાર્ડ ઉપરથી જીએસટી નંબર મેળવી તેના નામે પેઢી ખોલી કરોડોના બોગસ બિલિંગ કૌભાંડ આચરવાનું સુનિયોજીત કૌભાંડ ચાલે છે તેજ મોડસ ઓપરન્ડીનો આ કૌૈભાંડમાં પણ ઉપયોગ થયાનું મનાય છે.
50 કંપની ગુજરાતમાં અને દેશભરમાં 235 ‘પાટિયા પેઢી’ઓ ઊભી કરી અબજોનું કૌભાંડ
અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ગઇકાલે જીએસટી ચોરીની રેડમાં ચોકવાનારા ખુલાસા થયા છે. દેશભરમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે જીએસટી નંબર મેળવીને કરોડો રૂપિાયની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી છે. શાપરમાં બોગસ ભાડા કરારાને આધારે ધ્રૂવી એન્ટરપ્રાઇજના નામે કંપની ઉભી કર્યા બાદ અલગ-અલગ રાજ્યમાં એક જ પાન નંબર ઉપર છ કંપની ઉભી કરી દેવામાં આવી હતી. કરોળીયાના ઝાળાની માફક ફેલાયેલા ષડયંત્રમાં ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટરલીજન્સની ફરિયાદમાં જણાવ્યું છે કે, આ એક સુવ્યવસ્થિત ષડયંત્ર છેઅને પ્રાથમિક તબક્કે અલગ-અલગ પેઢીઓ ઉભી કરીને સરકારી તીજોરીઓને નુકસાન પહોંચડવામાં આવી રહ્યું છે.
ગુજરાત રાજ્યમાં પહેલા એકસરખા મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને પાનકાર્ડના આધારે 11 કંપનીઓ નોંધવામાં આવી. ત્યાર બાદ અલગ અલગ રાજ્યોમાં 34 કંપનીઓ રજીસ્ટ્રાર કરવામાં આવી. આ 34 કંપનીઓના આધારે બીજી કુલ 186 કંપનીઓ ઉભી કરી દેવામાં આવી. સમગ્ર દેશમાં ગુજરાતની 50 કંપની સહિત 236 કંપનીની આ કૌભાંડમાં સંડોવણી છે આ તમામ કંપનીઓમાં બોગસ બીલીંગ કરવામાં આવ્યા છે અને અમુક કંપનઓ ખોટા ડોક્યુમેન્ટના આધારે ઉભી કરી દેવાઇ છે.