રાજકોટના તબીબના ભાણેજને પેટમાં દુખતું હોય જમવા ન ગયો ને પ્લેન દુર્ઘટનામાં જીવ બચી ગયો
રાજકોટના પબ્લિક હેલ્થ એક્સપર્ટ સરકારી તબીબ ડો.જીજ્ઞેશ ઝાલાવડિયાના ભાણેજ ડેવિન જીવાણી બી.જે. મેડિકલ કોલેજમાં સેક્ધડ યરમાં છે. ઘટનાના સમાચાર આવતા જ ડેવિનનો સંપર્ક કરવા ખૂબ પ્રયત્ન કરાયા હતા અને આખરે સંપર્ક થતા ઘટનાસ્થળની કપરી સ્થિતિ જાણવા મળી હતી.
ડેવિને જણાવ્યું કે, બપોરે 1.30 વાગ્યે અમારે જમવાનો સમય હોય છે. પણ, મને પેટમાં દુ:ખતું હતું એટલે મેં ના પાડી અને હોસ્ટેલમાં જ રોકાયો અને બાકીના જમવા ગયા હતા. થોડી જ વારમાં હું હજુ ઊભો થયો ત્યાં વિસ્ફોટ થયો. અમે બધા બહાર ભાગ્યા તો મેસ હતી ત્યાં ભાગાભાગી હતી. મને એમ થયું કે કદાચ બોમ્બ વિસ્ફોટ થયો હતો. હું ત્યાં પહોંચ્યો તો અનેક લોકો ઘવાયેલા હતા. મેસની ઉપર ફ્લાઈટની ટેલ હતી અને તેના વિંગ તૂટીને સ્ટાફ ક્વાર્ટર પર પડ્યા હતાં. રસોઈયા બહેનને તેમના પુત્ર લેવા આવ્યા હતા તેમના પર ફ્લાઇટનો ટેલનો અમુક ભાગ પડતા હાથ કપાયો હતો એટલે તેને હોસ્પિટલ ખસેડતા હતા ત્યાં અંદરથી અવાજ આવ્યો કે ગેસ લીકેજ થયો છે અને ત્યાં આગ ભભૂકી હતી. બધાને હોસ્પિટલ ખસેડતા હતા તેવામાં મને ખ્યાલ આવ્યો કે મારો બેચમેટ રાકેશ દિયોરા જમવા બેઠો હતો અને ત્યાં જ તેનું ડેથ થઈ ગયું આ સિવાય જયની તો બોડી હજુ મળી નથી. મારા એક જુનિયરે પણ સ્થળ પર જ દમ તોડ્યો.
મેડીકલ સ્ટુડન્ટ અંશ પટેલે જણાવ્યું હતું કે, હું અને મારો મિત્ર ઋષાંગ ચડોતરા જમવા માટે મેસ પહોંચ્યા હતા. મેસના પગથિયાં ચડો એટલે એક રૂૂમ આવે જેમાં રસોડું છે ત્યાંથી થાળી લઈને આગળના હોલમાં જમવા બેસવાનું હોય. અમે થાળી લીધી અને જમવા બાબતે માસી સાથે વાત કરતા હતા. ત્યાં જ વીજળી પડી હોય તેવો ભયંકર અવાજ આવ્યો. હોલ તરફ જોયું તો ત્યાં અગનગોળો જ દેખાયો.
છત કડાકાભેર તૂટી થઈ અમે પગથિયાંની નજીક હતા એટલે ત્યાં પહોંચ્યા. ધૂળ અને ધુમાડાથી આખું બિલ્ડિંગ ભરાઈ ગયું હતું. ચારે તરફ લાશના ઢગલા હતા અને સૂટકેસ અને બેગના ઢગલા હતા. જ્યાં જમવા બેસવાનું હતું તે હોલની દીવાલે જ ફ્લાઈટ ટકરાઈ હતી એટલે તે હિસ્સો આખો તૂટી ગયો હતો. અમે તેની સામે રૂૂમ પાસે હતા અને ત્યાં જ પગથિયાં હતા એટલે અમે ત્યાંથી બચી નીકળી શક્યા પણ અનેક રેસિડેન્ટ ત્યાં જ હતા.