દિવ્યાંગો માટેની કામગીરીમાં રાજકોટ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ નંબરે
દિવ્યાંગો માટેની શ્રેષ્ઠ કામગીરી અને તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવાની બાબતમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ સન્માન કરવામાં આવશે. એવોર્ડ સ્વીકારવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે.
વહીવટી તંત્ર દ્વારા મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લામાં દિવ્યાંગોને ઘરઆંગણે સુવિધા મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તે હેતુથી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લામાં કુલ 27 જેટલા મેગા કેમ્પો યોજવામાં આવ્યા હતા.આ કેમ્પોમાં 2454 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. તંત્ર દ્વારા કુલ રૂૂ. 3.50 કરોડના સાધનો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોને જરૂૂરિયાત મુજબના 4314 વિવિધ સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા.
યોજનાકીય લાભોની આંકડાકીય વિગત મુજબ આ કેમ્પો માત્ર સાધન વિતરણ પૂરતા સીમિત ન રહેતા, દિવ્યાંગોને અન્ય સરકારી લાભો પણ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા UDID કાર્ડ: 1711 લાભાર્થીઓ, આભા કાર્ડ (ABHA Card): 302 લાભાર્થીઓ, PMJAY(આયુષ્માન) કાર્ડ: 266 લાભાર્થીઓ અન્ય વિવિધ યોજનાઓ: 742 લાભાર્થીઓ, 27 દિવ્યાંગ સહાય કેમ્પો, 3.50 કરોડની કુલ સાધન સહાય, 4314 સાધનોનું વિતરણ,1711 દિવ્યાંગોને UDID કાર્ડ ઇશ્યુ કરાયા હતા.
આમ, વહીવટી તંત્રની સતર્કતા અને સેવાભાવી અભિગમને કારણે હજારો દિવ્યાંગોના જીવનમાં નવો પ્રકાશ પથરાયો છે. આ શ્રેષ્ઠ કામગીરીની નોંધ કેન્દ્ર સરકારે લીધી છે અને દિલ્હી ખાતે યોજાનાર ભવ્ય સમારોહમાં રાજકોટ કલેક્ટરને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
