ખેલ મહાકુંભમાં 800 મીટર સ્પર્ધામાં રાજકોટ જિલ્લાના હેડકોચનો ‘ખેલ’
- ઝોન કક્ષાએ નહીં રમેલા ખેલાડીઓને જિલ્લાકક્ષાની ઇવેન્ટમાં ઉતારતા વિરોધ : રજૂઆત કરવા ગયેલા ખેલાડીઓને ડિસ્ક્વોલિફાય કરાયા હોવાનો આક્ષેપ : મામલો ખેલમંત્રી સુધી પહોંચતા તંત્ર ધંધે લાગ્યું
રાજકોટના રેસકોર્ષ ખાતે આવેલ એથલેન્ટીક ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભની 800 મીટરની સ્પર્ધા યોજવામાં આવી હતી. જે સ્પર્ધામાં હાલ વિવાદ સર્જાયો છે. ખેલાડીઓએ હેડકોચ ઉપર આક્ષેપ કર્યો છે. જે ખેલાડીઓ ઝોનકક્ષાએ રમ્યા નથી તેવા ખેલાડીઓને જીલ્લાકક્ષાની ઇવેન્ટમાં રમવા ઉતરવામાં આવ્યા છે. અને જે ખરેખર યોગ્યતા ધરાવે છે તેવા ખેલાડીઓ સાથે અન્યા થઇ રહ્યો છે. અન્યાયની રજુઆત કરવા ગયેલા ખેલાડીઓને ડિસ્ક્વોલીફાય કરવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. અન્યાય થતા એથલેન્ટીક ગ્રાઉન્ડ પરજ ખેલાડીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજ્યના ખેલ મંત્રીને પણ ટવીટ કરી રજૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમના એક દિવસ અગાઉજ શહેરમાં વિરોધ પ્રદર્શન થતા તંત્ર પણ ધંધે લાગી ગયું હતું.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના એથલેન્ટીક ગ્રાઉન્ડમાં આજે ખેલ મહાકુંભ અંતર્ગત 800 મીટર ભાઇઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં રાજકોટના હેડ કોચ અને રમાબેન દ્વારા ખેલ પડાવમાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. ખેલાડીઓએ પોતાના આક્ષેપમાં નારાજગી વ્યક્ત જણાવ્યું હતું કે, જિલ્લાકક્ષાએ રમવા માટે પહેલા ઝોન કક્ષાએ રમવુ ફરજિયાત હોય છે. અને ત્યાં વિજેતા થયા બાદ જ જિલ્લાકક્ષાએ ખેલાડીઓ ભાગ લઇ શકે છે. પરંતુ અહીં ઉલટું જોવા મળ્યુ હતુ. ઝોન કક્ષાએ ભાગ નહીં લેનાર ખેલાડીઓ પણ જીલ્લા લેવલે 800મીટરની દોડમાં ભાગ લીધો હતો. જે અંગેની જાણ અન્ય ખેલાડીઓને થતા તેઓએ ખેલાડીઓની યાદીનુ લીસ્ટ તપાસતા નામ નહીં નીકળતા આ અંગેની જાણ રાજકોટ જિલ્લાના હેડ કોચ રમાબેનને કરી હતી. પરંતુ રમાબેનને તેઓની વાત સાંભળી હતી નહીં. ખેલાડીઓએ વધુ આક્ષેપમાં જણાવ્યું છે કે, જે ખરેખર યોગ્ય ખેલાડીઓ હતા તેઓ સાથે અન્યાય થયો છે. આ અંગેની જાણ હેડ કોચ રમાબેનને કરવામાં આવી હતી પરંતુ તેઓએ વહાલદવલાની નીતિ આપનાવી હતી અને રજુઆત કરવા ગયેલા ખેલાડીનેજ ડિસ્ક્વોલીફાય કરી દેવામાં આવ્યો હતો. આ સમર્ગ મામલો ઉગ્ર બન્યો હતો અને રેસકોર્ષ નજીકજ ખેલાડીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓએ જણાવ્યું હતુ કે, આ બાબતે કલેક્ટરને પણ રજુઆત કરવામાં આવશે અને રાજ્યના ખેલ મંત્રીને હર્ષ સંઘવીને ટવીટ કરી જાણ કરવામાં આવી છે. સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોચતા તંત્ર ધંધે લાગી ગયું હતું. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પ્ર.નગર પોલીસ ગ્રાઉન્ડ પર પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતી કાલે વડાપ્રધાન રાજકોટ ખાતે આવી રહ્યા હોય તેના એક દિવસ અગાઉ જ આ ઘટના બનતા સ્થાનીક તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.