માવઠાનો ભોગ બનેલા ખેડૂતોને વગર વ્યાજની લોન આપશે રાજકોટ જિલ્લા બેંક
રાજકોટ જિલ્લામાં માવઠાના મારનો ભોગ બનેલા ખેડુતોની વહારે વધુ એક વખત રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક આવી છે અને ખેડુતોને રૂા.65 હજાર સુધીની વગર વ્યાજની લોન આપવાની બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ કરી છે.
ગુજરાતમાં ચોમાસુ અને ત્યાર બાદ થયેલા માવઠામાં ખેતીને મોટુ નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દિઠ બે હેક્ટરની મર્યાદામાં 22 હજાર રૂૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા પણ ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ વખતે ચોમાસામાં ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ બેંક હંમેશા ખેડૂતોની બેંક રહી છે. ખેડૂતો માટે આજે બેંક દ્વારા કૃષિ લોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બેંકના સભાસદ 2.25 લાખ ખેડૂતોને એક વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજે ખાસ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, બેંકના સભાસદ ખેડૂતોને હેક્ટર દીઠ 12500 સુધીની લોન મળવાપાત્ર થશે. જ્યારે વધુમાં વધુ 65 હજારની લોન અપાશે. રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ ખેડૂતોને આ લોન યોજનાનો લાભ મળશે. ખેડૂતોને માવઠાંથી થયેલા નુકસાનની ભરપાઇ અને રવિ પાકના વાવેતર માટે આ લોન અતિ મહત્વની છે. ખેડૂતો પાસેથી વધારાના કોઈ કાગળો લેવામાં આવશે નહીં. જેવી રીતે ધીરાણ મેળવીએ છીએ એજ રીતે મંડળીમાં કાગળો આપીને લોન મેળવી શકાશે.