મહાકુંભમાં રાજકોટના કોન્ટ્રાકટરનું શ્ર્વાસ ચડવાથી મૃત્યુ
પત્ની અને મિત્ર દંપતી સાથે ગયેલા આધેડે સારવારમાં દમ તોડયો; એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ રાજકોટ લવાયો
રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા. જ્યાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરનું શ્વાસ ચડતા કરુણ મોત નીપજ્યું હતું. આધેડના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યો હતો અંતિમયાત્રામાં સમાજના અગ્રણીઓ અને પીજીવીસીએલના કર્મચારીઓ જોડાયા હતા.
આધેડના મોતથી પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો.આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં બજરંગવાડી મેઇન રોડ ઉપર આવેલા પ્રતીક ટેનામેન્ટમાં રહેતા અને પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ ચલાવતા કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડ નામના 53 વર્ષના આધેડ પોતાની પત્ની લતાબેન મિત્ર પીજીવી સીએલના નિવૃત્ત કર્મચારી લક્ષ્મણગીરી ગોસાઈ અને તેમની પત્ની શોભનાબેન ચારેય લોકો મહાકુંભમાં ગયા હતા જ્યાં કિરીટસિંહ રાઠોડને વહેલી સવારે ચક્કર આવતા ઢળી પડ્યા હતા બાદમાં કિરીટસિંહ રાઠોડને પત્ની અને મિત્ર દંપતી દ્વારા સારવાર માટે સેક્ટર 20 માં ઉભા કરવામાં આવેલા હોસ્પિટલ યુનિટમાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાયબરેલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રયાગરાજથી કિરીટસિંહ રાઠોડના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યો હતો અને ગઈકાલે તેમની અંતિમયાત્રામાં પીજીવીસીએલના કર્મચારીઓ અને સમાજના આગ્રણીઓ જોડાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિરીટસિંહ રાઠોડ બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્રી છે. પુત્રી ભાવિનીબેન રાઠોડ બરોડા કંપનીમાં સર્વિસ કરે છે. કિરીટસિંહ રાઠોડ પત્ની અને મિત્ર દંપતિ સાથે ગત તારીખ 24 ના રોજ અમદાવાદથી પ્લેન મારફતે અયોધ્યા પહોંચ્યા હતા અને પાંચ ફેબ્રુઆરીએ પરત ફરે તે પૂર્વે મહાકુંભમાં સ્નાન કર્યા બાદ 30 તારીખે જ શ્વાસ ચડતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘરના મોભીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.