શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની સરકારી શાળા જ નથી: સીએમને રજૂઆત
સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12 ની એક પણ સરકારી શાળા ન હોવી તે ખૂબ જ દુ:ખની બાબત છે. 20 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ સરકારી શાળાઓ મૃતપ્રાય: અવસ્થામાં જઈ રહી છે. આ વચ્ચે રાજકોટના વેપારી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે આમ છતાં વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી.
રાજકોટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંગ્રેજી માધ્યમની 4 ગ્રાન્ટેડ શાળાઓ છે. જેમાંથી 2 શાળાઓમાં સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશન મળવા મુશ્કેલ છે ત્યારે અન્ય એક શાળા માત્ર ગર્લ્સ માટે છે. આ સિવાયની એક શાળા ઓક્સિજન ઉપર ચાલતી હોવાના આક્ષેપો થયા છે. જેથી રાજકોટ શહેરમાં ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂૂ થાય તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. શહેરના ભગવતીપરામાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું બિલ્ડીંગ તૈયાર થઈ ચૂક્યું છે જેમાં નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ શરૂૂ થશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે.
વેપારી જયદીપ પરમારે જણાવ્યું હતું કે, અમે સમગ્ર સમાજને કહેવા માગીએ છીએ કે સરકારી શાળામાં કાબિલિયત શિક્ષકો હોય છે કારણકે આ શિક્ષકો TET અને TAT ઉપરાંત PTC અને B.eD.જેવી પરીક્ષાઓ પાસ કરીને શિક્ષક બને છે. જેથી તમામ લોકોએ પોતાના બાળકોને સરકારી શાળામાં જ ભણાવવા જોઈએ.
સૌરાષ્ટ્રનું શિક્ષણનું હબ ગણાતા રાજકોટ શહેરમાં 20 લાખની વસ્તી વચ્ચે એક પણ સરકારી ધો. 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની શાળા નથી. તે ખૂબ જ દુ:ખની બાબત છે અને તેટલા માટે જ અમે તમામ વેપારી સંગઠનોએ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી, કમિશનર ઓફ સ્કૂલ અને મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત બાદ ચીફ મિનિસ્ટર ઓફિસમાંથી ઇમેલ પણ આવ્યો હતો કે અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે અમારી સાથે અલગ અલગ વેપારી સંગઠનો જોડાયેલા છે જેમકે હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશન, ગુંદાવાડી વેપારી એસોસિયેશન, વિવિધ જ્ઞાતિ સંગઠનો, સિંધી સમાજ અને મોચી સમાજે લેખિતમાં ટેકો આપ્યો છે. જ્યારે વેપારી આગેવાન પરસોતમ પમનાણીએ જણાવ્યુ હતુ કે, ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની શાળા શરૂૂ કરવી એ સર્વે જ્ઞાતિનું અભિયાન છે જેથી તમામ સાથ સહકાર આપવો જોઈએ.