ધ્રોલ નજીક રાજકોટના વેપારીનું હાર્ટ એટેકથી મોત
રાજકોટના વેપારી જામનગર આવ્યા હતા અને પોતાની કાર લઈને પરત રાજકોટ જઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને એકાએક ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં રઘુકુલ સોસાયટીમાં રહેતા અને બોરવેલના કામકાજ ના વ્યવસાય સાથે સંકળાયેલા બકુલભાઈ શાંતિલાલ સાતા (ઉંમર વર્ષ 52) કે જેઓ બોરવેલ ના કામ સંદર્ભમાં ધ્રોળ વિસ્તારમાં આવ્યા હતા.
પોતાની કાર લઈને તેઓ રાજકોટ પર જઈ રહ્યા હતા. જે દરમિયાન લૈયારા ગામના પાટીયા પાસે તેઓને ચાલુ કારમાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને હૃદય બંધ પડી જવાથી બેશુદ્ધ બન્યા હતા. તેઓને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રવિન્દ્રભાઈ શાંતિલાલ સાતાએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીપી વગોરા રાજકોટની હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
