રાજકોટના બિલ્ડરની BMWએ અમદાવાદમાં બાઇક સવારને ઉલાળ્યો
રાત્રે ઝુંડાલ સર્કલ પાસે ગોજારો અકસ્માત સર્જી ચાલક નાસી છૂટયો, પીધેલો હોવાની શંકા, લોકોના ટોળા ઉમટયા
કારમાંથી હથિયાર, લાઈસન્ય અને પી.ડી. માલવિયા કોલેજનાં કાર્ડ મળ્યા
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર રાજકોટનાં બીએમડબલ્યુ કારનાં ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી બાઇક સવારને અડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડયાની ઘટનામા બીએમડબલ્યુ કાર રાજકોટનાં વ્યકતીની હોવાનુ અને કારમાથી હથિયારનુ લાયસન્સ, પી. ડી. માલવિયા કોલેજના કાર્ડ મળી આવ્યાનુ જાણવા મળી રહયુ છે.
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
એક બેફામ રીતે હંકારાતી BMW કારે બાઈકને અડફેટે લીધું, જેના કારણે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી. અકસ્માત બાદ કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જનાર BMW કારનો નંબર GJ18BS9999 છે.
ગુરુવારે સાંજે 7.45 વાગ્યાની આસપાસ, સર્વોત્તમ હોટલ પાસે આ અકસ્માત થયો. ન્યૂ રાણીપના રહેવાસી 35 વર્ષીય યાજ્ઞિક સુથાર જેઓ સિંધુભવન રોડ પર સિવિલ એન્જિનિયર તરીકે કામ કરે છે, તેઓ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી BMW કારે તેમને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ.
અકસ્માત સર્જ્યા બાદ BMW કારનો ચાલક કાર ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને ઈજાગ્રસ્ત યાજ્ઞિક સુથારને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ટ્રાફિક પોલીસે આ મામલે હિટ એન્ડ રનની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂૂ કરી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કારની અંદરથી પોલીસને કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે. કારની અંદરથી હથિયારનું લાયસન્સ અને પી.ડી. માલવિયા કોલેજના કાર્ડ મળ્યા છે. BMW કાર રાજકોટના રહેવાસી અશોકભાઈ ડોબરિયાના નામે નોંધાયેલી છે. સોશિયલ મીડિયા પર આ જ BMW કાર સાથે સત્યજિત હેરભા નામના યુવકના ફોટા જોવા મળ્યા છે, જેઓ રાજકોટના રહેવાસી હોવાનું મનાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કારના માલિક અશોક ડોબરિયા રાજકોટ ના રહેવાસી છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. હાલ એ સ્પષ્ટ નથી કે અકસ્માત કરનાર કારચાલક પોતે બિલ્ડર છે કે કોઈ અન્ય. ચાલકે દારૂૂ પીધો હતો કે કેમ, તે તેની ધરપકડ બાદ જ જાણી શકાશે. આ ઘટના પરથી ફરી એકવાર એસ.પી. રિંગ રોડ પર બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.