રાજકોટના એએસઆઇને ડીજીપી ડીસ્ક એવોર્ડથી સન્માનિત કરાયા
રાજકોટમાં રાજ્ય અનામી પોલીસ દળ જૂથ 13-ઘટેશ્વર ખાતે ફરજ બજાવતા એએસઆઇ કિરીટસિંહ જાડેજાને તાજેતરમાં ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક કર્મનિષ્ઠ અધિકારી છે. તેઓની ઉત્કૃષ્ટ કાર્ય પ્રણાલી, સૂઝબૂઝ અને ડેડીકેશન્સ જેવા ઉમદા ગુણોની વિશેષતા બદલ તેઓને આ એવોર્ડ એનાયત કરાયો છે.
કિરીટસિંહ વર્ષ 1996માં એસઆરપી જૂથ-13માં સર્વિસમાં જોડાયા બાદ તેઓએ પોતાના કામને જ પોતાનું કર્મ સમજી અને આગળ વધતા ગયા. પોતાની દસ વર્ષની સર્વિસ થયા બાદ તેઓની પસંદગી આર્મરર કોર્સ માટે કરવામાં આવેલ જેમા પણ તેઓએ ઉત્તમ તાલીમ મેળવી ગુજરાત ખાતે શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ અને તેઓ પ્રથમ નંબરે આવેલ, ત્યારબાદ તેઓ આર્મરર કામગીરીમાં જોડાયા સાથે સાથે ગ્રુપને જ પોતાનું ઘર સમજી પોતાની આગવી સૂઝબુજ થી ગ્રુપના અનેક ધાર્મિક કાર્યક્રમોમાં આગેવાની લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યા, 07/2021 ના રોજ તેઓ આર્મરર હેડ તરીકે નિમણુક થયા બાદ આર્મરર હેડ તરીકે જૂથના જવાનોના વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન સજાગ રહી કોઈ પણ પ્રકારે જાનહાનિ કે હથિયારોને નુકસાન ન થાય તેની પોતાની સૂઝબૂઝથી ઉત્કૃષ્ટ કાર્ય કરેલ.
વર્ષ 2022-23માં નવા ભરતી થયેલ 207 લોકરક્ષકોનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકા ગાળામાં મેડિકલ ફીટ અંગેની કામગીરી પૂર્ણ કરી સાથે સાથે એસઆરપી જૂથ-9 વડોદરાના આશરે 52 જેટલા લોકરક્ષકોનું મેડિકલ ફીટ અંગેની કામગીરી પણ ટૂંકા ગાળામાં પૂર્ણ કરાવી જે બદલ તેઓને એસઆરપી જૂથ-9ના સેનાપતિ દ્વારા પણ પ્રશંસા પત્ર પાઠવવામાં આવેલ છે.