અમદાવાદથી સ્પાઇસ જેટની ફ્લાઇટ પહેલા રાજધાની ટ્રેન દિલ્હી પહોંચી !
દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG8193માં ફરી એકવાર મોટો વિલંબ નોંધાયો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે રાત્રે એટલે કે 27 નવેમ્બરની રાત્રે 10 વાગ્યે ટેકઓફ થનારી ફ્લાઇટમાં 9 કલાકનો મોટો વિલંબ થયો હતો અને તે 28 નવેમ્બરની સવારે 7:25 વાગ્યે ટેકઓફ થઈ હતી, જોકે મુસાફરોએ 12 કલાક સુધી એરપોર્ટ પર અટવાઈ રહેવું પડ્યું હતું.
ફ્લાઇટના લાંબા વિલંબને કારણે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો અને એરપોર્ટ પર હોબાળો થયો હતો, કારણ કે એરલાઈન સ્ટાફ તરફથી રહેવાની કે જમવાની સુવિધા અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન કે સ્પષ્ટ માહિતી આપવામાં નહોતી આવી, જેના કારણે મુસાફરોએ રોષ ઠાલવતા કહ્યુ હતું કે, આની કરતા રાજધાનીમાં નીકળ્યા હોત તોય વહેલા પહોંચી જાત.
મુસાફરોનું કહેવું છે કે, લાંબા સમયથી એરપોર્ટ પર રાહ જોતા હોવા છતાં સ્ટાફ તરફથી યોગ્ય માર્ગદર્શન અથવા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહીેં. કેટલાક મુસાફરોને રહેવાની કે જમવાની સુવિધા અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. ઘણાં મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની પીડા વ્યક્ત કરતા જોવા મળ્યા અને સ્પાઈસજેટની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ એરલાઈન મેનેજમેન્ટ દ્વારા સવારે 7:25 વાગ્યે ફ્લાઇટને ટેકઓફ કરવામાં આવી હતી અને જે 27 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે અમદાવાદ પહોંચવાની હતી તે 28 નવેમ્બરે સવારે 9 વાગ્યે અમદાવાદ પહોંચી હતી.