વાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોત
પેટિયું રળવા આવતાની સાથે જ યુવાનને કાળનો ભેટો; પરિવારમાં કલ્પાંત
રાજસ્થાનથી ગઈકાલે જ વાંકાનેરમાં પેટીયુ રળવા આવેલો યુવાન હોટલેથી જમીને પરત ફરતો હતો ત્યારે રોડ ક્રોસ કરતી વખતે કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાન નામનો સિકંદરખાન અબ્બાસખાન નામનો 34 વર્ષનો યુવાન ગઈકાલે રાજસ્થાનથી મજૂરી કામ માટે વાંકાનેર આવ્યો હતો અને રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ચંદ્રપુર ગામ માર્કેટ યાર્ડ પાસે હોટલમાં જમીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ તપાસનો દોર લંબાવ્યો છે.