જિલ્લામાં સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ: સૌથી વધુ જામજોધપુરમાં
ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં, કાલાવડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, ધ્રોલ અને જોડિયામાં સવા બે ઈંચ અને લાલપુરમાં દોઢ તથા જામનગરમાં સવા ઈંચ વરસાદ
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વરસાદનો વધુ એક રાઉન્ડ લેતાં જનસામાન્ય ખુશખુશાલ છે. જામનગર શહેરમાં કાલે શુક્રવારે વધુ સવા ઈંચ વરસાદ વરસી જતાં ઠંડક થઈ છે. જો કે, આ 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકામથકે એકધારો સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. કાલાવડમાં સાડા ત્રણ અને ધ્રોલ તથા જોડિયા તાલુકામથકોએ સવાબે ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે લાલપુરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. મેઘરાજાએ વધુ એક વખત ધમાકેદાર બેટિંગ કરી અને શહેરમાં પર ઝરમર છાંટાથી માંડીને ધોધમાર વરસાદ વરસ્યો છે, તેમજ જુદા-જુદા પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામજોધપુર પંથકમાં નોંધાયો છે.
ગુરૂૂવારે રાત્રે 8 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં માત્ર હળવા ઝાપટાં નોંધાયા બાદ શુક્રવારે દિવસ દરમિયાન શહેરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન જોડિયા પંથકમાં પણ માત્ર ઝાપટાં જ નોંધાયા હતાં પરંતુ પછી શુક્રવારે સવારે 6 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં 2 ઈંચ કરતાં વધુ પાણી વરસી ગયું હતું. જયારે ધ્રોલ તાલુકામથકે ગુરૂૂવારે દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો અને શુક્રવારે સવારે પણ અડધાં ઈંચ કરતાં વધુ વરસાદ થયો.
ગુરૂૂવારે રાત્રે કાલાવડમાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ શુક્રવારે સવારે 6 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં તાલુકામથકે વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. કાલાવડનો બાલંભડી ડેમ છલી ગયો છે. આ ઉપરાંત લાલપુર તાલુકામથકે ગુરૂૂવારે રાત્રે ઝરમર વરસાદ પછી શુક્રવારે દિવસ દરમિયાન દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ગુરૂવારે રાત્રે તથા શુક્રવારે દિવસ દરમિયાન જે વરસાદ નોંધાયો તે દરમિયાન જામજોધપુરમાં ગુરૂૂવારે રાત્રે પોણાં પાંચ ઈંચ જેટલો વરસાદ અને શુક્રવારે દિવસ દરમિયાન એક ઈંચથી થોડો ઓછો વરસાદ થતાં આ ચોવીસ કલાક દરમિયાન કુલ સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ધોધમાર 142 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જયારે ધ્રાફામાં પણ 140 મી.મી. વરસાદ નોંધાયો છે.
વાંસજાળીયા માં 130 મી.મી., પરવવામાં 120 મી.મી. અને સમાણામાં 72 મી.મી. વરસાદ નોંધાયો છે, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 70 મી.મી., મોટા પાંચ દેવડામાં 32 મી.મી., નવાગામમાં 25 મી.મી., જ્યારે ભણસાલ બેરાજામાં 29 મી.મી. વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં 87 મી.મી. વરસાદ નોંધાયો છે.