રાજ્યના 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 5.20 ઇંચ
60 તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડયો, જામનગર જિલ્લામાં વીજળી પડતાં ત્રણનાં મોત
ગુજરાતમાં ધીરેધીરે ચોમાસુ જામી રહ્યું હોય તેમ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના કુલ 162 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી સવા પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજયમાં લગભગ 60 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજયના 6 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ પડયો છે. આ વરસાદના કારણે ચોમાસુ વાવેતર થયુ હોય તેવા વિસ્તારોમાં ભારે ફાયદો થયો છે.
સૌથી વધુ રાજકોટના લોધીકામાં માત્ર 4 જ કલાકમાં 5.20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં માત્ર 2 કલાકમાં 4 ઈંચ અને બનાસકાંઠાનાં ભાભરમાં 3.40 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જામનગરમાં વિજળી પડતાં 1 મહિલા સહિત કુલ ત્રણ જણના મોત નિપજ્યાં હતાં.
મંગળવારે બપોરનાં 2 વાગ્યા પછી રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ભારે વરસાદ પડવાનો શરૂૂ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, રાજકોટના લોધીકા તાલુકામાં બપોરના 2 થી સાંજના 4 વાગ્યા સુધીના બે કલાકમાં 4 ઈંચ અને કુલ 4 કલાકમાં 5.20 ઈંચ વરસાદ પડયો હતો. એ સિવાય ધોરાજીમાં 3.20 ઈંચ, જામકંડોરણામાં 2.20 ઈંચ, ગોંડલમાં 1.64 ઈંચ વરસાદ વરસ્યો હતો. એ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં 4 ઈંચ, તાલાલામાં 1.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના લાઠીમાં 3.48 ઈંચ, બગસરામાં 2.76 ઈંચ, જુનાગઢનાં વિસાવદરમાં 2.12, મેંદરડામાં 2.10 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાનાં ભાભરમાં 2 કલાકમાં 3.40 ઈંચ, પાટણના રાધનપુરમાં 1.68 ઈંચ તેમજ કચ્છનાં નખત્રણામાં 2.56 ઈંચ, અબડાસામાં 2 ઈંચ અને ભચાઉમાં 1.52 ઈંચ વરસાદ પડયો હતો.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે ગઈકાલે સવારથી સૌરાષ્ટ્ર ઉપર સાઈક્લોનીક સર્ક્યુલેશન સહિતની સિસ્ટમ સકિય બનતા મેઘરાજાએ અમિદ્રષ્ટિ દર્શાવી હતી. ગઈકાલે રાજકોટ જિલ્લાના લોધીકા પંથકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ચાર કલાકમાં વરસી ગયો હતો. તેમજ વેરાવળ-મેંદરડામાં પાંચ ઈંચ, માળિયા, લાઠી, ધોરાજી સહિતના તાલુકાઓમાં 4 ઈંચ તથા તાલાલા, મેંદરડામાં બે ઈંચ, ભાણવડ, વાંકાનેર, અમરેલી, બાબરા, કોડીનાર, કેશોદ, ઉપલેટા, માંગરોળ, લીલીયા, જોડિયા, ચોટીલા સહિતના પંથકમાં અડધાથી એક ઈંચ વરસાદ વરસી જતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં. જેના લીધે સૌરાષ્ટ્રમાં અનેક જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. જ્યારે જામનગર જિલ્લાના બુટાવદર અને નરમાણામાં બે ખેડુતો ઉપર તેમજ દોઢિયામાં મહિલા ઉપર વિજળી પડતા ત્રણેય વ્યક્તિના મોત નિપજ્યા હતાં. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ગઈકાલથી જમાવટ શરૂ કરતા સૌથી વધુ રાજકોટના લોધીકામાં વરસ્યો હતો. તેમજ વેરાવળ, વંથલી, માળિયા હાટીનામાં 4થી 4॥ અને અન્ય તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ વરસી જતાં ખેતરોમાં પાણી ભરાયા હતાં. ઉભાપાક ઉપર સારો વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વેરાવળ
ચાલુ વર્ષની સીઝનમાં મેઘરાજા વેરાવળ સોમનાથ શહેરથી રીસાયા હોય તેમ મનમુકીને વરસતા ન હોવાથી શહેરીજનો બફારાથી અકળાઈ ઉઠીને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દરમ્યાન આજે સાંજે છ વાગ્યા આસપાસ અચાનક જ કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય શહેર પંથક ઉપર છવાઈ ગયેલ અને મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂૂ કર્યા બાદ એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેમાં એક કલાકમાં 103 મીમી (4 ઈંચ) વરસાદ વરસી જતા જોડીયા શહેરના અનેક રસ્તાઓ અને વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સાથે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી.
આજે સાંજે એકાદ કલાકમાં પડેલ 4 ઈંચ જેટલા અનરાધાર વરસાદના પગલે બસ સ્ટેશન રોડ, સુભાષ રોડ, સટ્ટા બજાર, તપેશ્વર મંદિર રોડ, એમજી રોડ, અનેક સોસાયટી વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા. જેમાં અમુક સ્થળોએ ગટરો ઉભરાઈ જતા દુર્ગંધ મારતા ગંદા પાણી વરસાદી પાણી સાથે વહેતા થતા લોકો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. તંત્રએ લાખો રૂૂપીયાના ખર્ચે કરેલ ગટર સફાઈ જેવી પ્રીમોન્સૂનની કામગીરીની પણ સીઝનમાં પ્રથમ વખત પડેલ અનરાધાર વરસાદે પોલ ખોલી નાંખી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળતા હતા અને પ્રીમોન્સૂનની કામગીરી કાગળ પર જ કરી હોવાની વાતો લોકો કરી રહ્યા હતા.
આજે પડેલા ભારે વરસાદના પગેલ શહેરની મુખ્ય સટ્ટા બજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ અને લોહાણા હોસ્પીટલ રોડ ઉપર ગોઠણડુબ પાણી ભરાયા જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. આ બજારમાં આવેલ તપેશ્વર મંદિરમાં પણ વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ઘુસી જતા લોકોમાં રોષ વ્યાપેલ હતો. મંદિરમાં ભગવાન ગંદા પાણીમાં હોવાના દ્રશ્યો નિહાળી સૌ તંત્ર ઉપર રોષની લાગણી વરસાવી રહ્યા હતા.
ગીર સોમનાથ જીલ્લામાં સવાર 6 થી રાત્રે 8 સુધીમાં ગીરગઢડામાં 20 મી.મી. (એક ઇચ), તાલાલામાં 54 મી.મી. (બે ઇચ), વેરાવળમાં 114 મી.મી. (ચાર ઇચ), સુત્રાપાડામાં 30 મી.મી. (એક ઇચ), કોડીનારમાં 14 મી.મી. (અડધો ઇચ), ઉનામાં 23 મી.મી. (એક ઇચ) વરસાદ વરસ્યો હોવાનું નોંધાયેલ છે.
બગસરા
બગસરામાં ઘણા દિવસના વિરામ બાદ આજે સવારથી સાંજ સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અસહ્ય બફારા બાદ આજે સવારથી જ ધીમીધારે વરસાદ પડવાની શરૂૂઆત થઈ ગઈ હતી ત્યારે બપોર બાદ ફક્ત બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી જ્યારે નીચાણ વાળા વિસ્તાર જેવા કે કુકાવાવ નાકા થી પોલિશ સ્ટેશન સુધી ગોઠણ ડૂબ પાણી ભરાય ગયા હતા જેના હિસાબે વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ગોંડલીયા ચોક શાકમાર્કેટ ખાડીયા વિસ્તાર સહિત નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.
માણાવદર
માણાવદર પંથકમાં અતિભારે વરસાદના રાઉન્ડ બાદ વિરામ લીધો હતો. આજે સાંજે 7:30 વાગ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ 8 વાગ્યે જોરદાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના પગલે વાવણી કરી દીધી ખેડુતોએ ઉપર આજે સાંજે વરસાદ શરૂ થતાં ફાયદો છે. હાલ ભારે વરસાદ ચાલુ છે. જેથી આજની ભારે ગરમી ઉકળાટમાં લોકો રાહત અનુભવી રહ્યા છે.
ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. તળાજા શહેરમા ગગન ગાજવાના અવાજ સાથે અચાનક પધરામણી થઈ હતી.સવા કલાક જેટલો સમય મધ્યમ ધારે વરસાદ વરસતા તંત્ર એ 24 મીમી વરસાદ વરસ્યા નું જણાવ્યું હતુ. મૌસમ નો કુલ 168 (સાડા છ ઇંચ) મીમી વરસાદ નોંધાયો છે.વરસાદ ના પગલે શિવાજી નગર,વાવચોક જવાના રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.વધુ વરસાદ વરસ્યો હોત તો ગોઠણ ના બદલે કમર સુધી પાણી ભરાયા હોત.
શહેર થી વધુ વરસાદ દરિયા પટ્ટી ના ભાખલ અલંગ સોસિયા ધારડી બપાડા પીપરલા સથરા દેવલી ગોરખી સરતાનપર દકાના ઝાંઝમેર સહિતના ગામડાઓમાં વરસ્યો હતો. અલંગ થી મળતા અહેવાલ મુજબ ત્યાં સવારના 5.30 થી વરસાદ નું આગમન થયુ હતું.ભાવનગર થી વહેલી સવારે અપડાઉન કરતા વેપારીઓ એ રાજપરા થી તળાજા તરફ વરસાદ છે. પીપરલા વિસ્તારમાં અને ઉપર વાસમાં વરસાદ ના પગલે મૌસમ ના પહેલા નીર આવતા લોકોએ ધસમસતા પાણીના પ્રવાહ સાથે સેલ્ફી ખેંચાવી ને આનંદ વ્યક્ત કર્યો હતો.
ગોંડલ
ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ બપોરબાદ અસહ્ય બફારા વચ્ચે વરસાદ શરૂ ગ્રામ્ય વિસ્તારમાં અનિડા ભાલોડી, વાસાવડ, ચરખડી સહિતના ગામોમાં વરસાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે પુન: મેઘસવારી આવી ચડી હતી. જેમાં સૌથી વધુ ભાણવડ તાલુકામાં નોંધપાત્ર સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે. જ્યારે કલ્યાણપુર તાલુકાના દોઢ અને ખંભાળિયા તાલુકામાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે એકાદ સપ્તાહની વરસાદી બ્રેક બાદ ગઈકાલે મંગળવારે વાતાવરણ પલટાયું હતું. જેમાં ખાસ કરીને ખંભાળિયા શહેરમાં ગત સાંજે સાડા ચાર વાગ્યે વંટોળિયો પવન ફૂંકાયો હતો અને ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.
આટલું જ નહીં, વજનમાં હલકી ચીજ વસ્તુઓ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગઈ હતી. મંગળવારે સાંજે ખંભાળિયા - ભાણવડ પટ્ટીના માંઝા, ભટ્ટગામ, લલિયા, તથીયા વિગેરે ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ગામોમાં બે થી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી જતા ઠેર ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. ખંભાળિયા શહેરમાં તેજ ફૂંકાયેલા પવન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ઝાપટાથી વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. ભારે પવનના પગલે શહેરનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લો વોલ્ટેજના પ્રશ્નો પણ ખાડા થયા હતા. આ પછી ગતરાત્રે આશરે દસેક વાગ્યે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા ગતરાત્રિ સુધીમાં કુલ 19 મીલીમીટર વરસાદ પડી ગયો હતો. ઘી ડેમમાં નવા નીરની ધીમી આવક શરૂૂ થઈ હતી.
14 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્રને એલર્ટ કરાયું
રાહત કમિશનર જેનું દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આઇએમડીના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી તથા આગામી તા.14 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂૂપે એન.ડી.આર.એફ./ એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ સાથે ઋતુ જન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચના આપી હતી. રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા જરૂૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.
વીજળી પડતા એક મહિલા સહિત 3નાં મોત, એક યુવક ગંભીર
ગઈકાલે સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે વિજળી પડવાની અનેક ઘટનાઓ બની હતી. જેમાં જામજોધપુરના નરમાણા ગામે યુવાન ખેડુત ઉપર વિજળી પડતા ગંભીર રીતે દાઝી જવાથી તેનું મોત નિપજ્યું હતું. તેમજ બુટાવદર મા ગઈકાલે સાંજે મેઘરાજા એ ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે અઢી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીમાં ઘોડાપુર આવેલ વીજળીના જોરદાર કડાકા ભડાકા વચ્ચે બુટાવદર ના રાજપૂત ખેડૂત કિરીટસિંહ ઝાલા પોતાના ઘરની અગાસી પરથી ઉતરી રહ્યા હતા ત્યાંજ કાળરૂૂપી વીજળી તેમની માથે પડતા સારવાર દરમિયાન મોત નિપજેલ અને જામનગરના દોઢિયા ગામે મહિલા ઉપર વિજળી ત્રાંટકતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. તેમજ તેની સાથે રહેલ યુવાન ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયો હતો.