24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
ચોમાસાની વિદાય સમયે રાજયના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળ તાલુકામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. તાલાલામાં 2.2 ઈંચ, કેશોદમાં 2.1 ઈંચ, માળિયા હાટીનામાં 2.1 ઈંચ, ઉનામાં 2 ઈંચ, પાટણ-વેરાવળમાં 1.5 ઈંચ, સૂત્રાપાડામાં 1.4 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 1.1 ઈંચ, ખેડબ્રહ્મામાં 1.1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે 41 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી.
હવામાન વિભાગે આજે (30મી સપ્ટેમ્બર) રાજ્યના 7 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.