સોરાષ્ટ્રમાં વધુ પાંચ દિવસ વરસાદની આગાહી, આજે 12 જિલ્લામાં યલો એલર્ટ
ગુજરાતમાં જન્માષ્ટમીથી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ અવિરત ચાલુ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં ઝાપટાથી માંડી 7.56 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. બીજી તરફ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને દરિયો નહીં ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આજે શનિવારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ બની છે. જે કચ્છ થઇને અરબી સમુદ્ર તરફ પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં હજૂ પણ વરસાદ ચાલુ રહેશે અને અમૂક સ્થળે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 43 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમાં સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 7.56 ઇંચ તથા ખેડબ્રહ્મામાં 7.13 ઇંચ વરસાદ નોંધાયો છે.